મુંબઈઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન મુદ્દે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, દેશભરમાં જે પ્રકારનો માહોલ છે અને લોકો સડક પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, તેમની પાસેથી હક છીનવી ન શકાય. મને બહાર નીકળીને પોતાનો અવાજ બુલંદ કરતા તમામ પ્રદર્શનકારીઓ પર ગર્વ છે. હું આ લોકો સાથે છું.

મુંબઈના બાંદ્રા વિસ્તામાં એક NGO દ્વારા સ્કૂલના બાળકો સાથે પ્રી ક્રિસમસ સેલિબ્રેશન માટે આવેલી સોનાક્ષીને એબીપી ન્યૂઝે પૂછ્યું કે, આટલા ગંભીર મુદ્દા પર બોલિવૂડના મોટા મોટા સ્ટાર કેમ ચૂપ છે ? જેના જવાબમાં તેણે કહ્યું, જેમને પણ અભિપ્રાય આપવો હશે તે આપશે અને આમ કરવું તેમનો હક છે.

તેણે કહ્યું, મને લાગે છે કે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોની અસર ફિલ્મ પર પડી છે. હું ખરેખર ખૂબ ખુશ છું કે આ મુદ્દે દેશમાં લોકોએ મળીને અવાજ ઉઠાવ્યો છે અને તે મારી ફિલ્મથી અનેક ગણું વધારે મહત્વ ધરાવે છે.

સોનાક્ષીની ફિલ્મ દબંગ-3 શુક્રવારે જ રિલીઝ થઈ છે. પરંતુ ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા ઓનલાઇન લીક થવા પર સોનાક્ષીએ કહ્યું, હું પહેલાથી જ બોલતી આવી થું કે પાયરેટેડ ફિલ્મ ન જુઓ. કારણકે તેનાથી આપણી ઈન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન થાય છે.