બોલીવુડમાં સલમાન ખાનને ઓળખ આપનારા જાણીતા પ્રોડ્યૂસરનું થયું નિધન, જાણો વિગત
abpasmita.in | 21 Feb 2019 11:51 AM (IST)
મુંબઈઃ દિગ્ગજ ફિલ્મમેકર સૂરજ બડજાત્યાના પિતા અને જાણીતા પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનું આજે મુંબઈમાં અવસાન થયું છે. રાજશ્રી પ્રોડક્શને સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. રાજકુમાર બડજાત્યાના નિધન કેવી રીતે થયું તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સલમાનને આપી ઓળખ રાજકુમાર બડજાત્યા રાજશ્રી પ્રોડક્શનનું જાણીતું નામ છે. આ પ્રોડક્શને ‘દોસ્તી’, ‘નદિયા કે પાર’, ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી સુપર હિટ ફિલ્મો બનાવી છે. સલમાન ખાનને રાજકુમાર બડજાત્યાએ મૈને પ્યાર કિયા ફિલ્મ દ્વારા બોલીવુડમાં ઓળખ આપી હતી. જે બાદ સલમાન આ પ્રોડક્શનની અનેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ટ્વિટર પર રાજકુમાર બડજાત્યાના નિધનની જાણકારી આપતાં ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ લખ્યું, ચોંકાવનારી ખબર. રાજકુમાર બડજાત્યાનું થોડી મિનિટો પહેલા જ રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન થયું છે. ભરોસો નથી થઈ રહ્યો. પ્રભાદેવીની ઓફિસમાં થોડા સમય પહેલા જ તેમની સાથે મુલાકાત થઈ હતી. તેમણ મારી અને મારા પરિવાર સાથે ઘણો સમય ગાળ્યો હતો. તે સમયે તેઓ એકદમ સ્વસ્થ હતા પરંતુ હવે આપણી વચ્ચે રહ્યા નથી. રાજશ્રી પ્રોડક્શને આપી છે અનેક સુપરહિટ ફિલ્મો રાજકુમાર બડજાત્યાએ રાજશ્રી પ્રોડક્શનની સ્થાપના 1947માં કરી હતી. તેમના પ્રોડક્શન હાઉસે અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘વિવાહ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘હમ આપકે હૈ કોન’, ‘હમ સાથ-સાથ હૈ’, ‘સારાંશ’, ‘એક બાર કહો’, ‘સૌદાગર’, ‘પિયા કા ઘર’, ‘ચિતચોર’, ‘નદિયા કે પાર’ જેવી અનેક ફિલ્મો સામેલ છે. રાજકુમાર બડજાત્યાના રાજશ્રી બેનરમાં બનેલી અંતિમ ફિલ્મ હમ ચાર ચાલુ મહિને 15 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ છે. રાજશ્રી બેનર પારિવારિક ફિલ્મો બનાવવા જાણીતું છે.