ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ લાગી છે. આગમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. ઢાકાના ચોક બજાર વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આગ હતી, જે જોતજોતામાં આજુબાજુની ઇમારતોમાં ફેલાઇ ગઇ હતી.


દુર્ઘટનામાં ઘાયલ થનારા લોકોમાં મહિલાઓ અન બાળકોની સંખ્યા વધારે છે.  અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. 2010માં પણ ઢાકામાં લાગેલી ભીષણ આગમાં 120 લોકોના મોત થયા હતા.

ફાયર બ્રિગેડ અધિકારી અલી અહમદના જણાવ્યા મુજબ, ગેસ સિલિન્ડરમાં ધડાકાના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જે બિલ્ડિંગમાં સૌથી પહેલા આગ લાગી તેમાં જ્વલનશીલ પદાર્થ રાખ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.