મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી મોદીએ પીએમ રાહત ફંડમાં દાન કરવાની લોકોને અપીલ કરી હતી. જેમાં આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સ પર્સન, રાજકારણી સહિત તમામ લોકો શક્ય તેટલી મદદ કરી રહ્યા છે.

થોડા દિવસો બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારે PM Cares Fundમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. હવે તેમણે મુંબઇ પોલીસને 2 કરોડ રૂપિયાનું દાન કરીને પોતાની દરિયાદિલીનો પરીચય કરાવ્યો છે.

તેમણે કોરોના સામેની લડાઇમાં મુંબઇ પોલીસનાં યોગદાનને બિરદાવવા માટે આ મોટી રકમ આપી છે, આ પહેલા અક્ષય કુમારે બીએમસીને પીપીઇ કિટ માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતાં.

અક્ષય કુમારે મુંબઇ પોલીસને લઇને કરેલા ટ્વીટમાં લખ્યું કે " હું મુંબઇ પોલીસનાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પેંદુરકર અને સંદીપ સુર્વેને સલામ કરવા માંગું છું, જેમણે કોરોના વિરૂધ્ધની લડાઇમાં પોતાનાં જીવની બાજી લગાવી દીધી, મેં મારૂ કર્તવ્ય પુરૂ કર્યું, આશા કરૂ છું કે તમે પણ કરશો, આપણે એ ન ભુલવું જોઇએ કે આપણે જીવતા અને સુરક્ષીત છિએ માત્ર તેમનાં કારણે".

અક્ષયે  કહ્યું હતું કે તે મહત્વનું નથી કે આપણે કોણ છીએ, આ મુશ્કેલ સમયમાં એક-એક વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા ઇચ્છો છો, 25 કરોડ રૂપિયાનું દાન કરીને મેં એક નાનું યોગદાન કર્યું છે.