Aamir Khan Ad Controversy: બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંથી એક આમિર ખાન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અત્યારે આમિર ખાન તેની એક જાહેરાતને લઈને વિવાદોમાં આવી ગયો છે. આમિરની નવી એડ પર હિન્દુઓની ભાવનાઓ અને રીતરિવાજોને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, જાહેરાતો કરતી વખતે ભારતીય પરંપરાઓ અને રિવાજોને ધ્યાનમાં રાખવા જોઈએ.
શા માટે થયો વિવાદ?
આમિરનો આ એડવર્ટાઈઝમેન્ટનો વીડિયો એક બેન્કની જાહેરાતનો છે. વીડિયોમાં આમિર ખાન અને કિયારા અડવાણીને નવા પરિણીત કપલ તરીકે બતાવવામાં આવ્યા છે, પરંતુ લગ્ન કર્યા બાદ દુલ્હન વરરાજાના ઘરે નથી જતી, પરંતુ વરરાજા દુલ્હનના ઘરે આવે છે. આ એડમાં આમિર કહે છે કે આ પહેલીવાર છે જ્યારે વિદાય થઈ, પરંતુ દુલ્હન રડી નથી. પછી બંને ઘરે જાય છે, જ્યાં કન્યાની માતા બંનેની આરતી કરે છે. તે જ સમયે, આમિર ખાન સૌથી પહેલા ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે, "સદીઓથી ચાલી આવતી રિવાજ ચાલુ રહેશે, આવું કેમ?"
આમ લગ્નના રિત રિવાજ અંગે આ એડની થિમ રાખવામાં આવી છે. આમિરની એડ સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. પહેલાં ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે.
ફરિયાદ મળ્યા બાદ મેં જાહેરાત જોઈઃ મિશ્રા
આમિર ખાનની જાહેરાતને લઈને વિવાદ વધી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- "ફરિયાદ મળ્યા પછી, મેં એક ખાનગી બેંક માટે આમિર ખાનની જાહેરાત જોઈ. હું આમિરને વિનંતી કરું છું કે, તેઓ ભારતીય પરંપરાઓ અને રિવાજોને ધ્યાનમાં રાખીને આવી જાહેરાતો કરે. હું તેમને યોગ્ય નથી માનતો. ભારતીય પરંપરાઓ, રિવાજો અને દેવી-દેવતાઓ વિશે, ખાસ કરીને અમીર વિશે આવી વાતો આવતી રહે છે."