બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની લેટેસ્ટ રીલિઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ઘણા વિવાદોમાં છે. જો કે ઘણા લોકો હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ના આ હિન્દી રૂપાંતરણનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ઓસ્કરના સત્તાવાર હેન્ડલે આ ફિલ્મનું સમર્થન કર્યું છે. હવે આમિર ખાન હોલિવૂડના સુપરસ્ટાર ટોમ હેન્ક્સની પોતાની ફિલ્મ પરના રિએક્શનની રાહ જોતો હશે.
એકેડેમીના સોશિયલ મીડિયા હેન્ડલે એક વિડિયો ક્લિપ શેર કરી છે જેમાં મૂળ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ' અને 'લાલ સિંહ ચઢ્ઢા'ના હિન્દી રૂપાંતરણના સમાન દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોને શેર કરતાં લખ્યું હતું કે, 'રોબર્ટ ઝેમેકિસ અને એરિક રોથની વાર્તા જેમાં એક વ્યક્તિ પોતાની ઉદારતાથી દુનિયાને જીતી લે છે, અદ્વૈત ચંદન અને અતુલ કુલકર્ણીએ ભારતીય રૂપાંતરણ 'લાલ સિંહ ચઢ્ઢા' બનાવ્યું છે. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે, જેને ટોમ હેન્ક્સ દ્વારા 'ફોરેસ્ટ ગમ્પ'માં મશહુર બનાવ્યો હતો.
હિંદુ સંગઠન સનાતન રક્ષક સેનાના કેટલાક સભ્યોએ ઉત્તરપ્રદેશમાં તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ લાલસિંહ ચઢ્ઢા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે મક્કમ છે. સભ્યોએ આમિરખાન પર હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાડવાનો આરોપ લગાવ્યો હતો અને પછી તેનો વિરોધ કર્યો હતો. સંસ્થાના સભ્યોએ અદ્વૈત ચંદનના નિર્દેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અભિનેતા પર તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. યુપીના ભેલુપુરમાં આઇપી વિજયા મોલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે રોબર્ટ ઝેમેકિસ અને એરિક રોથની એક એવી વ્યક્તિની સચોટ વાર્તા છે જે કરુણાથી વિશ્વને બદલી નાખે છે, હોલિવૂડની આ ફિલ્મના અદ્વૈત ચંદન અને અતુલ કુલકર્ણી લિખિત ‘લાલસિંહ ચઢ્ઢા રૂપી’ ભારતીય સંસ્કરણમાં આમિર ખાને ટોમ હેન્ક્સે ભજવેલી ભૂમિકા અદભુત રીતે ભજવી છે. 1994માં આવેલી ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પને 13 ઓસ્કર નોમિનેશન મળ્યા હતા.
જો કે લાલસિંહ ચઢ્ઢાએ તેની રીલિઝ પહેલા ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ભૂતકાળમાં આમિરખાન અને કરીનાના નિવેદનોને લઈને ફિલ્મનો બહિષ્કાર કરવાનો ટ્વિટર ટ્રેન્ડ હતો. આમિર ખાને પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય અને કોઈનું દિલ દુખાયુ હોય તો તેની માફી માંગી હતી અને તેમને સિનેમાઘરોમાં ફિલ્મ જોવા વિનંતી કરી હતી.