Saif Ali Khan Attacked: બોલિવૂડના એક્ટર સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરે હુમલો કર્યો હતો. અભિનેતા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી મળી છે કે અભિનેતાની સર્જરી ચાલી રહી છે. પોલીસ સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતા ત્રણ લોકોને પૂછપરછ માટે લઇ ગઇ હતી. ત્રણેયને કસ્ટડીમાં લીધા બાદ પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. સૈફ પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસે નિવેદન બહાર પાડ્યું છે.
ચોર સાથે સૈફની લડાઇ થઇ હતી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. પછી તેણે ત્યાં હાજર કેયરટેકર સાથે દલીલ શરૂ કરી હતી. બંને વચ્ચેના વિવાદમાં સૈફ અલી ખાન આવ્યો હતો અને તેણે હુમલો કરનાર વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે એક્ટરના સમજાવા પર ઉશ્કેરાઇ ગયો અને ગુસ્સામાં સૈફ પર ચાકૂથી હુમલો કરી દીધો હતો. બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
અભિનેતાની પીઆર ટીમે શું કહ્યું?
સૈફની પીઆર ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો. હાલમાં તેમની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા અપીલ કરીએ છીએ. આ એક પોલીસ કેસ છે. અમે તમને પરિસ્થિતિ વિશે અપડેટ આપતા રહીશું.
સૈફ ગંભીર રીતે ઘાયલ થયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફને 6 જગ્યાએ ઈજા થઈ છે. જેમાંથી એક ગરદન પર છે અને એક કરોડરજ્જુની નજીક છે. સૈફનું ઓપરેશન હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. ઓપરેશન થિયેટરમાં પ્લાસ્ટિક સર્જન અને ન્યૂરોસર્જન હાજર છે. સૈફ પર થયેલા હુમલા અંગે પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મુંબઈ પોલીસે એક નિવેદન બહાર પાડ્યું
મુંબઈ પોલીસે ઘટનાની પુષ્ટી કરી હતી. ત્યારબાદ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. મુંબઈના જોઈન્ટ સીપી લો એન્ડ ઓર્ડરે ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે ઘટના બાદ સૈફને સારવાર માટે લીલાવતી લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાંદ્રા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો