Actor Sarath Babu Death: તેલુગુ સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક સરથ બાબુનું આજે નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સરથ બાબુ વય સંબંધિત બિમારીઓને કારણે હૈદરાબાદની AIG હોસ્પિટલમાં એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. સોમવારે સવારે અભિનેતાની તબિયત બગડી હતી અને તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને બપોરે તેમનું નિધન થયું હતું.સરથ બાબુના મૃત્યુની તેમના પરિવારે પુષ્ટિ કરી છે. પીઢ અભિનેતાના અવસાનના સમાચાર બાદ તેમના ચાહકો અને મિત્રો આઘાતમાં છે. ત્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકની લહેર છે.   


 






સરથ બાબુના નિધનની અફવાઓ અગાઉ ફેલાઈ હતી 


તમને જણાવી દઈએ કે ઘણા સમયથી બીમાર રહેલા સરથ બાબુના નિધનના સમાચાર પહેલા પણ આવ્યા હતા, પરંતુ પરિવારે આ અહેવાલોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે સરથ બાબુની સારવાર ચાલી રહી છે અને તેઓ જીવિત છે. અભિનેતાના પરિવારે લોકોને તે સમયે ખોટા સમાચાર ન ફેલાવવાની અપીલ પણ કરી હતી. પરંતુ આજે સાઉથના આ પીઢ અભિનેતાએ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે.  


સરથ બાબુએ 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું 


સરથ બાબુએ 1973માં તેલુગુ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેની અભિનય કારકિર્દીમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને દર્શકોનું મનોરંજન કર્યું હતું. સરથ બાબુની એક્ટિંગને દેશમાં જ નહીં વિદેશમાં પણ પસંદ કરવામાં આવી હતી.  


સરથ બાબુને નવ વખત નંદી એવોર્ડ મળ્યો હતો   


સરથ બાબુનું સાચું નામ સત્યમ બાબુ દિક્ષીતુલુ હતું. તેઓ મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. સરથે કેટલીક કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમને નવ વખત સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા માટે નંદી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.