NIA Investigation : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મોટી કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. લોરેન્સે કબૂલાત કરી છે કે, બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેની ટોપ ટેન ટાર્ગેટ લિસ્ટમાં પહેલા નંબરે છે. લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, તે કોઈ પણ કિંમતે સલમાન ખાનને મારી નાખવા માંગે છે. આ ઉપરાંત તેણે એ લોકોના નામ પણ લીધા છે જે તેની ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. ત્રીજા નંબર પર મનદીપ ધાલીવાલ છે, જેની ગયા વર્ષે ઓગસ્ટમાં હત્યા કરવામાં આવી હતી.


NIAની પૂછપરછમાં બિશ્નોઈએ કહ્યું હતું કે, સલમાન ખાને રાજસ્થાનના જોધપુરમાં કાળિયારનો શિકાર કર્યો હતો જેની બિશ્નોઈ સમુદાય પૂજા કરે છે. આ જ કારણ છે કે, તે સલમાન ખાનને મારવા માંગે છે. તેણે એ પણ કબૂલાત કરી હતી કે, તેણે સલમાન ખાનની રેકી કરવા માટે સંપત નેહરાને મુંબઈ મોકલ્યો હતો, પરંતુ એસટીએફ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.


ટાર્ગેટ નંબર 2- શગુનપ્રીત


પોતાના બીજા ટાર્ગેટનો ઉલ્લેખ કરતા બિશ્નોઈએ શગુનપ્રીતનું નામ લીધું છે. શગુનપ્રીત પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની મેનેજર છે. જે એકાઉન્ટ સંભાળે છે. લોરેન્સના જણાવ્યા મુજબ, શગુનપ્રીતે શૂટર્સ એટલે કે લોરેન્સની નજીકના વિકી મુદ્દુખેડાના હત્યારાઓને ખારરમાં છુપાવવામાં મદદ કરી હતી.


ટાર્ગેટ નંબર 3- મનદીપ ધાલીવાલ


લોરેન્સ બિશ્નોઈએ NIAને જણાવ્યું કે, મનદીપ ધાલીવાલ પણ તેમના નિશાના પર હતો. તે મનદીપને મારવા માંગતો હતો. કારણ કે તેણે વિકી મુડુખેડાના હત્યારાઓને છુપાવવામાં પણ મદદ કરી હતી. તે લકી પટિયાલનો સાગરીત છે. ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં ઓગસ્ટ 2022માં મનદીપની હત્યા કરવામાં આવી હતી.


ટાર્ગેટ નંબર 4- કૌશલ ચૌધરી


લોરેન્સના કહેવા પ્રમાણે, કૌશલ ચૌધરી મારી દુશ્મન ગેંગ છે અને કૌશલ ચૌધરીએ ના માત્ર વિકી મુદ્દુખેડાના હત્યારા ભોલુ શૂટર પરંતુ અનિલ લથ અને સની લેફ્ટીને પણ હથિયારો પૂરા પાડ્યા હતા.


ટાર્ગેટ નંબર 5- અમિત ડાગર


NIAની પૂછપરછમાં ગેંગસ્ટરે જણાવ્યું છે કે, વિકી મુદ્દુખેડાની હત્યાનું કાવતરું અમિત ડાગર અને કૌશલ ચૌધરીએ ઘડ્યું હતું. આ જ કારણે તે અમિત ડાગરને ખતમ કરવા માંગે છે.


લક્ષ્ય નંબર 6- સુખપ્રીત સિંહ બુદ્ધ


લોરેન્સે કહ્યું હતું કે, બંબીહા મારી જાણીતી દુશ્મન ગેંગ છે, દેવેન્દ્ર બંબીહાના મૃત્યુ બાદ તેની ગેંગ સુખપ્રીત સિંહ ઓપરેટ કરી રહ્યો છે. મારા નજીકના મિત્ર અમિત શરણની હત્યા પાછળ સુખપ્રીત સિંહનો હાથ છે.


ટાર્ગેટ નંબર 7- લકી પટિયાલ


લોરેન્સના જણાવ્યા મુજબ, લકી પટિયાલ મારી દુશ્મન ગેંગ છે. લકીના કહેવા પર જ મારા નજીકના મિત્ર ગુરલાલ બ્રારની હત્યા કરવામાં આવી હતી, તેણે વિકી મુદ્દુખેડાના શૂટર્સ અને રેસીઝને છુપાવવામાં મદદ કરી હતી.


ટાર્ગેટ નંબર 8- રમી મસાના


લોરેન્સે પૂછપરછમાં રમી મસાનાનું નામ પણ લીધું છે. તેણે કહ્યું છે કે, તે તેના પિતરાઈ ભાઈ અમનદીપની હત્યાનો બદલો રમી મસાનાની હત્યા કરીને લેશે. તેણે કહ્યું કે, રમી તેના વિરોધી જૂથ ગોન્ડર ગેંગનો શૂટર છે.


ટાર્ગેટ નંબર 9- ગુરપ્રીત શેખો


લોરેન્સ બિશ્નોઈએ તપાસ એજન્સીને જણાવ્યું કે, ગુરપ્રીત તેની દુશ્મન ગોંડર ગેંગનો કિંગપિન છે. જેણે તેના પિતરાઈ ભાઈને મારવા માટે રમી મસાણાને હથિયારો પૂરા પાડ્યા હતા. ત્યારથી જ ગુરપ્રીત શેખો તેના ટાર્ગેટ લિસ્ટમાં છે.


ટાર્ગેટ નંબર 10 - ભોલુ શૂટર, સની લેફ્ટી અને અનિલ લથ


ભોલુ શૂટર ઉપરાંત અનિલ લથ અને સની લેફ્ટી પણ લોરેન્સની ટોપ ટેનની યાદીમાં સામેલ છે. બિશ્નોઈ કહે છે કે, આ ત્રણેય કૌશલ ચૌધરીના શૂટર છે, જે તેના હરીફ જૂથ છે. ગેંગસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણેએ ચૌધરીના કહેવા પર જ વિકી મુદ્દુખેડાની હત્યા કરી હતી.