મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની લવ સ્ટોરી લાંબા સમયથી ચર્ચામાં છે. બંને લગ્ન કરશે એવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે આલિયા ભટ્ટે પોતે લગ્ન કરી લીધાં હોવાનો ધડાકો કર્યો છે.
જાણીતા ટોક શો કોફી વિથ કરણમાં અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથેના અફેરની કબૂલાત કરી હતી. પોતે રણબીર કપૂર પર ફિદા હોવાનું કબૂલ્યું હતું. સાથે સાથે આલિયાએ એનડીટીવને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, પોતે પહેલાં જ રણબીર કપૂર સાથે લગ્ન કરી ચૂકી છે. અલબત્ત તેણે સ્પષ્ટતા કરી કે, પોતે માનસિક રીતે રણબીરને ક્યારનીય પરણી ચૂકી છે અને તેના મગજમાં તો રણબીર કપૂર વરસોથી તેનો પતિ છે.
આલિયાએ અજાણતાં રણબીર સાથે લગ્ન કરી લીધાં હોવાની કબૂલાત કરી લીધાં પછી વાતને વળવા માટે માનસિક રીતે રણબીર તેનો પતિ હોવાની કબૂલાત કરી હોવાનું મનાય છે.
આલિયાએ જણાવ્યું કે, તેમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગે બંનેને નજીક લાવવામાં મદદ કરી હતી. બંને એકબીજાને વધારે સારી રીતે સમજી શક્યાં છે. આલિયા ભટ્ટે રણબીર પોતાને પસંદ હોવાનું પણ જણાવ્યું હતું.
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને આનંદ આહુજાના વેડિંગ રિસેપ્શનમાં સાથે પહોંચીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધોને જાહેર કરી દીધા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા થતી રહે છે. આ વખતે રણબીર કપૂરે કહ્યુ હતુ કે જો કોરોના મહામારી ના હોત તો તેમના લગ્ન આલિયા ભટ્ટ સાથે થઈ ગયા હોત. સાથે સાથે તેણે એપણ કહ્યું કે, બંનેનાં જ્યારે પણ લગ્ન થશે, ધામધૂમથી અને સારી રીતે થશે.
રણબીર કપૂરનું દીપિકા અને કેટરીના કૈફ સાથે અફેર બહુ ચગ્યું હતું. છેલ્લાં કેટલાંક વરસોથી તે આલિયા ભટ્ટ સાથેના સંબધોમાં સ્થિર થયો હોવાનું મનાય છે.