મુંબઇઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યુ, લાંબી ચર્ચા બાદ બિલ પર વૉટિંગ થયુ અને બહુમતી સાથે બિલને લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યુ હતુ. બિલને લઇને કેટલાક નેતાઓ, પક્ષો અને હસ્તીઓએ પોતાનુ વલણ સ્પષ્ટ કરતાં વિરોધ દર્શાવ્યો હતો. આ લિસ્ટમાં ફિલ્મી અભિનેત્રી ઋચા ચઢ્ઢા પણ સામેલ છે.


ઋચા ચઢ્ઢાએ લોકસભમાં બિલ પાસ થવાની ઘટનાને લઇને એક તસવીર શેર કરી, જેના આધારે તેને સરકાર પર ગુસ્સો ઠાલવ્યો હતો. એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ પોતાના ટ્વીટમાં બિલને મળેલા મતોની સંખ્યા દર્શાવતી એક તસવીર શેર કરી, ને લખ્યું કે, "ભગવાન અમારી રક્ષા કરે"


નોંધનીય છે કે, લોકસભમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં 293 મત પડ્યા, જ્યારે વિરોધમાં લગભગ 82 મત પડ્યા હતા. સરકારના આ નિર્ણયને દેશભરમાં મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે.



શું છે નાગરિકતા સંશોધન બિલમાં....

બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.



રાજ્યસભામાં પડી શકે છે મુશ્કેલી....

રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે.