'Nikita Roy': બોલિવૂડની શાનદાર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ફરી એકવાર મોટા પડદા પર જબરદસ્ત અંદાજમાં કમબેક કરવા જઈ રહી છે. તેની આગામી ફિલ્મ 'નિકિતા રોય'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
આ ફિલ્મ 30 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. પોસ્ટરમાં સોનાક્ષીનો ગંભીર લૂક જોવા મળે છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ એક સાઈકોલૉજિકલ થ્રિલર છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહેલ નય્યર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં તમામ પાત્રોનો ગંભીર અને સસ્પેન્સફુલ દેખાવ દર્શકોની ઉત્સુકતા વધારી રહ્યો છે.
આ ફિલ્મનું દિગ્દર્શન કુશ એસ સિંહા કરી રહ્યા છે, જે આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ નિકી વિકી ભગનાની ફિલ્મ્સ અને નિકિતા પાઈ ફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બનાવવામાં આવી છે. તે નિક્કી ખેમચંદ ભગનાની, કિંજલ આહુજા ઘન અને વિકી ભગનાની દ્વારા નિર્મિત છે.
આ ફિલ્મ સોનાક્ષી સિન્હાની કારકિર્દીમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, ખાસ કરીને તેના અલગ અને ગંભીર પાત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને. 'નિકિતા રોય' માત્ર એક થ્રિલર ફિલ્મ નથી, પરંતુ તે દર્શકો સમક્ષ એક વિચારપ્રેરક વાર્તા પણ રજૂ કરશે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે અને ચાહકો આ નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે 30 મેના રોજ 'નિકિતા રોય' બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
સોનાક્ષી સિન્હા આ વખતે સિલ્વર સ્ક્રીન પર પોતાના દમદાર લુક સાથે જોવા મળશે. અભિનેત્રીની આગામી ફિલ્મ 'નિકિતા રોય'ના પોસ્ટરે તેના લુકને લઈને ઘણા સવાલો ઉભા કર્યા છે. આ પોસ્ટરમાં સોનાક્ષી સિન્હા ઉપરાંત અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહેલ નય્યર પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં તમામ પાત્રો સસ્પેન્સ લુકમાં જોવા મળી રહ્યા છે.