Akhil Mishra Death: બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, કામ કરતા સમયે બિલ્ડિંગ પરથી નીચે પડી જવાથી અભિનેતાનું મોત થયું હતું. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અખિલ મિશ્રાનું બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું
ઇ-ટાઇમ્સના રિપોર્ટ મુજબ, અભિનેતા હૈદરાબાદમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બાલ્કની પાસે કામ કરતા સમયે તેઓ ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા. અખિલના પરિવારમાં તેમના પત્ની સુઝૈન બર્નર્ટ છે, તેઓ પણ જર્મન અભિનેત્રી છે. અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતા તેમણે કહ્યું કે મારુ દિલ તૂટી ગયું છે.
અખિલે ઘણા ટીવી શો અને ફિલ્મો કરી છે
અખિલે ટીવી પર ઘણા શો પણ કર્યા. તેઓ ઉત્તરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, હાતિમ સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. અખિલ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે 'ડોન', 'ગાંધી', 'માય ફાધર', 'શિખર', 'કમલા કી મૌત', 'વેલ ડન અબ્બા' જેવી ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી.
જો કે, અખિલને "3 ઇડિયટ્સ" માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની અને અન્ય ઘણા લોકોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમણે લોકપ્રિય શો "ઉતરન" માં ઉમ્મેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની છાપ છોડી હતી.
અખિલે જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા
અખિલે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે 30 સપ્ટેમ્બર, 2011ના રોજ પરંપરાગત વિધિથી સુઝૈન સાથે લગ્ન કર્યા હતા. 2019 માં આ જોડીએ "મજનૂ કી જૂલિયટ" નામની ટૂંકી ફિલ્મમાં એક્ટિંગ કરી અને ડિરેક્શન પણ કર્યું હતું. તેમના પત્ની સુઝૈન ‘કસૌટી ઝિંદગી કી’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘એક હજારો મેં મેરી બહના હૈ’, ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘પોરસ’ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.