બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર વિમલ ઈલાઈચીની જાહેરાતમાં જોવા મળી રહ્યો છે. આ જાહેરાતમાં અક્ષય કુમાર સિવાય શાહરૂખ ખાન અને અજય દેવગણ જોવા મળી  રહ્યો છે. આ જાહેરાત કરવાને લઇને અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કર્યો હતો. લોકોની ટીકા બાદ અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ લખી લોકોની માફી માંગી છે.






શા માટે અક્ષયે ચાહકોની માફી માંગી?


પોતાના ચાહકોની માફી માંગીને અક્ષય કુમારે આ જાહેરાતમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી હતી કે તે હવેથી ટોબેકો બ્રાન્ડ (વિમલ)ના બ્રાન્ડ એમ્બેસેડર રહેશે નહીં. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણય વિશે જણાવ્યું હતું.


અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યું કે, મને માફ કરો. હું મારા બધા ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાઓએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. મેં ક્યારેય તમાકુનું સમર્થન કર્યું નથી અને ક્યારેય કરીશ પણ નહીં. વિમલ ઈલાઈચી સાથેના મારા સંબંધ વિશે હું તમારી લાગણીઓને માન આપું છું. તેથી જ હું સંપૂર્ણ નમ્રતા સાથે તેમાંથી હટી ગયો છું.


અક્ષયે લખ્યુ કે મેં નક્કી કર્યું છે કે હું જાહેરાત માટે મળેલી ફીનો ઉપયોગ સારા હેતુ માટે કરીશ. બ્રાન્ડ, જો તે ઈચ્છે તો તેના કરારની કાનૂની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરાત પ્રસારિત કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં હું સમજદારીપૂર્વક વિકલ્પો પસંદ કરીશ. બદલામાં હું હંમેશા તમારો પ્રેમ અને દુઆઓ માંગતો રહીશ.


લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો


અક્ષય કુમારની આ એડ થોડા દિવસો પહેલા જ રીલિઝ કરાઇ હતી. જેમાં શાહરૂખ ખાન અને અજય દેવગણે 'વિમલ યુનિવર્સ'માં અક્ષય કુમારનું સ્વાગત કર્યું હતું. બોલિવૂડના ત્રણેય મોટા સ્ટાર્સ પહેલીવાર એક એડમાં જોવા મળ્યા. આ એડમાં અક્ષય કુમાર જોવા મળતા જ લોકોએ હોબાળો મચાવી દીધો હતો.


અક્ષય કુમારના ચાહકોએ અભિનેતાના જૂના વીડિયો પણ શેર કર્યા હતા જેમાં તે દારૂ, સિગારેટ જેવા હાનિકારક ઉત્પાદનોથી દૂર રહેવાની વાત કરતો જોવા મળ્યો હતો. ઘણા લોકોએ ત્રણ વખત પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અક્ષયને એવોર્ડ પરત કરવા પણ કહ્યું હતું.