બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એક્ટર અક્ષય કુમાર ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ માનુષી છિલ્લર છે. આ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં અક્ષય કુમારે અનેક મુદ્દે મીડિયા સાથે વાતચીત કરી હતી. અક્ષય કુમારે બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચેના વિવાદને લઇને પણ વાતચીત કરી હતી.


બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે છેલ્લા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. સાઉથ એક્ટર કિચ્ચા સુદીપે હિન્દી ભાષાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ પછી અજય દેવગણે તેને ટ્વિટર પર જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારથી સાઉથ સિનેમા અને બોલિવૂડ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ.


અક્ષય કુમારે સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક બનાવી છે. ફિલ્મો હિટ થઈ રહી છે, પરંતુ ભાષાને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અક્ષય કુમારે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે કોઇ પણ પ્રકારના વિભાજન પર વિશ્વાસ કરતો નથી.  


અક્ષય કુમારે કહ્યું કે ચલો આજે હું તેના પર વાત કરી જ દઉં છું, દેશના ભાગલા ના પાડો, અહીં તમે દક્ષિણ ભારત અથવા ઉત્તર ભારત અથવા બોલિવૂડ ના કહો. જો તે લોકો બોલી રહ્યા છે, તો તમે કેમ બોલી રહ્યા છો. મને અંગત રીતે લાગે છે કે આ ભારતીય ફિલ્મ ઉદ્યોગ છે. હું ઈચ્છું છું કે તેમની ફિલ્મ ચાલે અને આપણી ફિલ્મ પણ. આજે જે થઈ રહ્યું છે તે આઝાદી સમયે પણ થયું હતું. અંગ્રેજોએ પણ એવું જ કર્યું હતું. તેઓએ ભારતને પૂર્વ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારતમાં વિભાજિત કર્યું હતું. અમે બધા એક ઇન્ડસ્ટ્રીઝ છીએ. હું તો ઇચ્છું છું કે તેમની ફિલ્મો પણ ચાલે અને અમારી ફિલ્મો પણ ચાલે, ત્યારે જ અમે ફાયદામાં રહીશું. નોંધનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ત્રણ જૂનના રોજ રીલિઝ થશે.