મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ મોટા નિર્દેશક અને નિર્માતા ફિલ્મોને મોટા પડદે રિલીઝ નથી કરી રહ્યાં. એક પછી એક એમ કેટલીય મોટી ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. હવે જલ્દી ફિલ્મ 'સડક 2' પણ ઓનલાઇન રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સડક 2' હવે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટે આ વાતની પુષ્ટિ કરી છે.

વિશેષ ફિલ્મ્સ અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલા 10 જુલાઇએ થિએટરોમાં આવવાની હતી. પરંતુ કૉવિડ-19ના કારણે બંધ પડેલા સિનેમાઘરોને લઇને હવે ડિજીટલ મંચો પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.



મુકેશ ભટ્ટે જણાવ્યુ કે, કૉવિડ-19 કેસોની સંખ્યા ઘટવાના બદલે દિવસે દિવસે વધતી જાય છે. આ સ્થિતિમાં શું તમને લાગે છે કે સિનેમાઘરો ખુલશે? જો ખુલી પણ જાય તો લોકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા આવશે? લોકોને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા છે. આજે લોકોની જિંદગી મહત્વની છે. તેમને કહ્યું - હુ આને રિલીઝ કરવા માટે મજબૂર છુ, કેમકે મને ભવિષ્યમાં કોઇ આશા નથી દેખાઇ રહી. તમારે કેટલાક કામ ના ઇચ્છા હોવા છતા કરવા મજબૂર થવુ પડે છે. અમારી પાસે બીજો કોઇ ઓપ્શન હવે બચ્યો નથી.

'સડક 2' 1991માં પૂજા ભટ્ટ અને સંજય દત્ત અભિનિત ફિલ્મ 'સડક'ની સિક્વલ છે. આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારી હતી, પણ હવે નિર્માતા આને ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા મજૂબર થયા છે.