મુંબઈઃ નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે પોતાના દિવંગત પતિ અને અભિનેતા ઋષિ કપૂરને યાદ કર્યા છે. ઋષિ કપૂરનું કેન્સર સામે જંગ લડ્યા બાદ 30 એપ્રિલે નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા.


નીતૂ કપૂરે પોસ્ટમાં લખ્યું, "નાની હોય કે મોટી, આપણા દિમાગમાં આપણે બધાએ પોત-પોતાની લડાઈ લડવાની છે. તમારી પાસે સુખ-સુવિધાથી ભરેલું એક મોટું ઘર હોઈ શકે છે પરંતુ તેમ છતાં તમે ખુશ નથી હોતા. જોકે તેમ છતાં તમે સૌથી વધારે ખુશ પણ હોઈ શકો છો, આ બધું આપણા દિમાગમાં જ હોય છે. તમામને શ્રેષ્ઠ આવતીકાલ માટે એક મજબૂત દિમાગ અને આશાની જરૂર છે. આભાર, આશાની સાથે જીવો, કઠોર મહેનત કરો. પોતાનાની કદર કરો, કારણકે તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે."



નીતૂ કપૂરે આ પોસ્ટની સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં ઋષિ કપૂર પણ સાથે છે. ફોટો કોઈ પાર્ટી ફંકશનનો છે. જેમાં ઋષિ કપૂર સૂટ બૂટમાં જોવા મળે છે અને નીતૂ કપૂર ગુલાબી કલરનો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠી છે.

નીતૂ કપૂરની જેમ તેની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ સોશિયલ મીડિયા પર પિતા સાથેની જૂની તસવીરો શેર કરીને તેમને યાદ કરતી રહે છે.