અભિનેતા અલ્લુ અર્જુને તેના ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમની લાગણી વ્યક્ત કરવા માટે ઑનલાઇન અને ઑફલાઇન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષા અથવા વર્તનનો ઉપયોગ ન કરે. રવિવારે અભિનેતાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ચાહકોને આ અપીલ કરી હતી. પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.  


અલ્લુ અર્જુને પોસ્ટમાં શું લખ્યું ?


અભિનેતાએ રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, "હું મારા તમામ ચાહકોને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે અને કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા અથવા વર્તનનો ઓનલાઈન અને ઑફલાઈન આશરો ન લે." અભિનેતાએ આગળ લખ્યું, "જે કોઈ પણ બદનક્ષીભરી પોસ્ટ કરશે અને ફેક આઈડી અને ફેક પ્રોફાઈલ વડે મારા ચાહકો તરીકે ખોટી રીતે નકલ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું ફેન્સને આવી પોસ્ટ્સથી દૂર રહેવાની વિનંતી કરું છું."






તેલંગાણાના મુખ્યમંત્રીએ આક્ષેપો કર્યા હતા


4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ અને એક મહિલાના મૃત્યુના સંદર્ભમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી અને ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણા વિધાનસભામાં અલ્લુ અર્જુન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પોલીસની પરવાનગી ન મળવા છતાં તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે જ્યાં 'પુષ્પા 2' બતાવવામાં આવી હતી તે થિયેટરમાં પહોંચ્યા. જો કે, આ આરોપોનો જવાબ આપવા માટે અલ્લુ અર્જુને શનિવારે સાંજે તેના જ્યુબિલી હિલ્સ સ્થિત નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે તેલંગાણા વિધાનસભામાં રેવંત રેડ્ડી અને અકબરુદ્દીન દ્વારા કરાયેલા તાજેતરના નિવેદનોની સ્પષ્ટતા કરી હતી. અર્જુન તેના કાયદાકીય સલાહકાર સાથે નોટપેડમાંથી વાંચતી વખતે ભાવુક થઈ ગયો અને વિધાનસભામાં તેના પર લાગેલા તમામ નવા આરોપોને નકારી કાઢ્યા.


'પુષ્પા 2: ધ રૂલ'નો બોક્સ ઓફિસ પર દબદબો


'પુષ્પા 2: ધ રૂલ'ને રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા છે પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર દબદબો જાળવી રાખ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા દિવસથી જ તે દરરોજ રેકોર્ડ કલેક્શન કરી રહી છે. ત્રીજા સપ્તાહ સુધીમાં ફિલ્મનું કલેક્શન ઘટવા લાગ્યું હતું પરંતુ હવે ત્રીજા શનિવારે ફિલ્મની કમાણી ફરી વધી છે.


સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' એ પહેલા અઠવાડિયામાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ફિલ્મનું કુલ કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. ત્રીજા ગુરુવારે (15માં દિવસે) ફિલ્મે 17.65 કરોડ રૂપિયા અને 16માં દિવસે 14.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે 17માં દિવસે 'પુષ્પા 2: ધ રૂલ'ની કમાણી વધી છે અને ફિલ્મે 25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


Pushpa 2: 17માં દિવસે પણ પુષ્પા 2નો દબદબો યથાવત,રેકોર્ડ બ્રેક કમાણી, 1500 કરોડનો આંકડો કર્યો પાર