મહારાષ્ટ્ર સરકારે લતા મંગેશકરના નામે સંગીતની એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ખોલવાની જાહેરાત કરી છે. લતા મંગેશકર ઈન્ટરનેશનલ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ મ્યુઝિયમ નામથી બનનાર આ સંસ્થા માટે મહારાષ્ટ્ર સરકારે 100 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી છે. આ સમગ્ર પ્રોજેક્ટ 6 લોકોની એક કમિટીની દેખરેખમાં બનશે અને આ સમિતિના અધ્યક્ષ લતા મંગેશકરના ભાઈ હ્યદયનાથ મંગેશકરને બનાવવામાં આવ્યા છે. હ્યદયનાથ સિવાય બાકી જે અન્ય સભ્યો આ કમિટીમાં સામેલ છે તેમના નામ છે ઉષા મંગેશકર, આદિનાથ મંગેશકર, શિવ કુમાર શર્મા અને મયૂરેશ શર્મા. મયૂરેશ મહારાષ્ટ્ર સરકારના સંસ્કૃતિ નિર્દેશાલયના નિર્દેશક છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  ઉદ્ધવ ઠાકરે આ કોલેજની સ્થાપનાને લઈને સમગ્ર પરિયોજનાની દેખરેખ રાખી રહ્યા છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે લતા દીનાનાથ મંગેશકર ઈન્ટરનેશનલ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ મ્યુઝિયમ માટે જગ્યાની પસંદગી પણ કરી લેવામાં આવી છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર જે જગ્યાએ કરવામાં આવ્યા હતા તે દાદરના શિવાજી પાર્કમાં લતાજીનું સ્મારક બનાવવાની બીજેપીએ માગ કરી હતી. જો કે શિવેસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે તેના માટે મુંબઈમાં કાલીન સ્થિત બોમ્બે યૂનિવર્સિટીમાં પાંચ એકર જમીન નક્કી કરી છે. આ કોલેજના સંચાલન માટે મહારાષ્ટ્ર સરકારે શરૂઆતમાં એક સમિતી બનાવી હતી, હવે જે કોર કમિટી બની છે તે પહેલાથી બનેલી અધ્યયન સમિતિ સાથે આ વિશે ચર્ચા કરશે અને ત્યાર બાદ કોલેજના નિર્માણનું કાર્ય આગળ વધારશે.


તો બીજી તરફ લતા મંગેશકરના નિધન બાદ તેમણે ગાયેલી ગીતોની સંખ્યાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. તમામ લોકોએ તેમના નામે જે ગિનિસ બુક ઓફ રેકોર્ડ છે અને તેમાં જે સંખ્યા બતાવવામાં આવી છે તેમને જ સાચી માની રહ્યા છે. ગિનિસ બુકે ગીતો લખવાની જગ્યાએ રિકોર્ડિંગ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને લતા મંગેશકર સાથે 21 દેશોના 53 શહેરોમાં 123 શોઝની યાદો તેમના મુસ્તક ઈન સર્ચ ઓફ લતા મંગેશકરમાં એકત્રિત કરનાર હરિશ ભીમાણીએ જણાવ્યુ કે, તે સમયે કોઈ પણ ગીતનું બેથી ત્રણ વખત રેકોર્ડિંગ થવું સામાન્ય વાત હતી. આ ઉપરાંત સુમન ચૌરસિયાના પુસ્તક લતા સમગ્રમાં પણ 2014 સુધી તેમણે ગાયેલા ગીતોની યાદી છે. આ બુક મુજબ લતા મંગેશકરે જે ગીતો ગાયા છે તેમા હિન્દી ફિલ્મી ગીતો 5328, બિન ફિલ્મી ગીતો 198, અપ્રકાશિત ગીતો 127, મરાઠી 405, બંગાળી 206, સંસ્કૃત 24, ગુજરાતી 48,પંજાબી 69, બીજાએ ગાયેલા ગીતોના સંસ્કરણો 38 અને અન્ય 48 સામેલ છે. આ ગીતોની કુલ સંખ્યા 6550 જણાવવામાં આવી છે.


લતા દીનાનાથ મંગેશકર ઈન્ટરનેશનલ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ મ્યુઝિયમમાં લતા મંગેશકરના તમામ ગીતોના ઈતિહાસને સાચવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, લતા મંગેશકર પોતે ગાયેલા દરેક ગીત પોતાના હાથથી કાગળ પર લખતા હતા અને તે કાગળો પર તેમણે લખેલી નોંધો, આરોહ અવરોહ માટે બનાવેલા ચિહ્નો વગેરે હાજર છે. લતા મંગેશકર દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ, સાધનો, પુસ્તકો અને ભગવાનની મૂર્તિઓ પણ આ મ્યુઝિયમમાં સંગ્રહિત કરવામાં આવશે.