Sameer Wankhede On Shah Rukh Khan: પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે પર બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ માંગવાનો આરોપ છે. આ મામલે હવે કિંગ ખાન સાથે વાનખેડેની ચેટ સામે આવી છે. સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે આ ચેટ જોડી છે. ચેટ વાતચીતમાં એ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આર્યન સાથે કોઈ ખોટું થયું નથી. સમીર વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેમણે સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું.


શાહરૂખ અને સમીર વાનખેડે વચ્ચે શું થઈ હતી ચેટ?


સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને તેને ચેટમાં મેસેજ કર્યો હતો. મેસેજમાં કિંગ ખાને કહ્યું હતું કે, તમે મારા વિશે મને આપેલા તમામ વિચારો અને અંગત માહિતી માટે હું તમારો પૂરતો આભાર માની શકતો નથી. હું સુનિશ્ચિત કરીશ કે તે એવી વ્યક્તિ બને કે જેના પર તમને અને મને બંનેને ગર્વ થઈ શકે. આ ઘટના તેના જીવનમાં એક વળાંક સાબિત થશે, હું વચન આપું છું કે સારી રીતે...”


શાખરૂખ રીતસરનો કરગર્યો હતો


દિકરા આર્યન માટે શાહરૂખ ખાન સમીર વાનખેડે સામે રીતસરનો કરગર્યો હતો. સામે આવેલી ચેટમાં શાહરૂખે સમીરને લખ્યું હતું કે, આર્યન પર દયા કરો, મારા અને મારા પરિવાર પર દયા કરો. મહેરબાની કરીને મારા પુત્ર સામે નરમ વલણ અપનાવો. શાહરૂખ ખાને ચેટમાં આગળ લખ્યું છે કે, આર્યન ખાનને જેલમાં ન રાખતા, તે તૂટી જશે. તેની સામે નરમ વલણ અપનાવજો. તમારા સહકાર માટે તમારો આભાર. શાહરૂખે સમીરને એમ પણ કહ્યું હતું કે, મને તારી ભલાઈ પર વિશ્વાસ છે. મેં મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી. પિતા તરીકે મારો વિશ્વાસ તૂટવા ના દેતા.


CBIએ વાનખેડે વિરુદ્ધ FIR નોંધી


જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.


વાનખેડે પર શું છે આરોપ?


જણાવી દઈએ કે NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર 3 ઓક્ટોબર 2021ના રોજ ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આરોપી ન બનાવવાના બદલામાં 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. આ આરોપોને કારણે, સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર સામે એફઆઈઆર નોંધી હતી. જો કે, વાનખેડેએ હાઈકોર્ટની વેકેશન બેંચ સમક્ષ દાખલ કરેલી તેમની અરજીમાં અપીલ કરી છે કે, સીબીઆઈમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંબંધમાં તેમની સામે કોઈ બળજબરીભરી કાર્યવાહી કરવામાં ન આવે. વાનખેડેની આ અરજી પર બેંચનો નિર્ણય આવવાનો હજી બાકી છે.


CBI Raids: શાહરૂખના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડે પર ત્રાટકી CBI


સીબીઆઈએ એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડે વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ક્રૂઝ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અમે સમીર વાનખેડેના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ દેશના 19 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. 


સીબીઆઈએ કહ્યું હતું કે, દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સીબીઆઈના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, વાનખેડે વિરુદ્ધ કોર્ડેલિયા જહાજના માલિકો પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.