Bodyguard director Siddique: સાઉથ ઇન્ડસ્ટ્રીઝને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સિદ્દીકીએ 63 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. સિદ્દીકીએ 8 ઓગસ્ટે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે સિદ્દીકીએ સલમાન ખાનની હિન્દી ફિલ્મ 'બોડીગાર્ડ'નું ડિરેક્શન કર્યું  હતું.






હાર્ટ અટેકના કારણે સિદ્દીકીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા


રિપોર્ટ અનુસાર,  સિદ્દીકીને સોમવારે હાર્ટ અટેક આવ્યો હતો જેના કારણે તરત જ તેઓને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. હોસ્પિટલના તબીબોએ સિદ્દીકીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેઓ તેમને બચાવવામાં સફળ રહ્યા ન હતા.


મળતી માહિતી મુજબ, સિદ્દીકીના પાર્થિવ દેહને સવારે 9 થી 11:30 સુધી કડવંથરા સ્થિત રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવશે. આ પછી તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે રાખવામાં આવશે, ત્યારબાદ બુધવારે સાંજે 6 વાગ્યે સિદ્દીકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


સિદ્દીકી આ ફિલ્મથી કરી હતી શરૂઆત


તેમણે 'સિદ્દિકી-લાલ'ની જોડીના રૂપમાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મ 1989માં આવેલી રામજી રાવ સ્પીકિંગ હતી. આ સિવાય તેમની ફિલ્મોમાં 'હરિહર નગર' (1990), 'ગોડફાધર' (1991), 'વિયેતનામ કોલોની' (1992), 'કાબૂલીવાલા' (1993), અને 'હિટલર' (1996) અને 'બોડીગાર્ડ'નો સમાવેશ થાય છે.


સલમાન ખાનની આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું


સિદ્દીકીએ 'બોડીગાર્ડ'ની હિન્દી રિમેકનું નિર્દેશન કર્યું હતું. જેમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું તમિલ વર્ઝન પણ સિદ્દિકીએ જ ડિરેક્ટ કર્યું હતું, જેનું નામ 'કવલન' હતું. વિજયે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.


સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું હતું


સિદ્દીકી જેટલા સારા દિગ્દર્શક હતા તેટલા જ સારા અભિનેતા પણ હતા. 2022 માં તે ફિલ્મ કેનકેમમમાં ખાસ ભૂમિકામાં જોવા મળ્યા હતા. નાના રોલમાં તેણે પોતાના અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સિદ્દીકીના મૃત્યુના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. દુલકર સલમાન અને એટલી જેવા ઘણા સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.