Naseeruddin Shah on The Kerala Story: વિપુલ શાહની બોલિવુડ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી. આ ફિલ્મને લઈને દેશમાં રાજકીય વમળો પણ સર્જાયા હતાં. આ ફિલ્મની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. વિવાદોમાં હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ મામલે બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પહેલીવાર મૌન તોડ્યું છે. 


નસીરૂદ્દીન શાહ આ ફિલ્મને એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તેમને કહ્યું છે કે, તેમણે ના તો આ ફિલ્મ જોઈ છે અને ના તો તેઓ આ ફિલ્મ જોવા માંગે છે. જાહેર છે કે, ચોક્ક્સ મામલે જ ટિપ્પણી કરનારા નસીરૂદ્દીન પર આ ફિલ્મ મામલે મૌન રહેવાને લઈને ચારેકોરથી ભારે પસ્તાળ પડી રહી છે. 


નસીરુદ્દીન શાહે ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને લઈને કહ્યું હતું કે, 'અફવાહ', 'ભીડ' અને 'ફરાઝ' જેવી શાનદાર ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર દમ તોડી નાખ્યો હતો પરંતુ 'ધ કેરલ સ્ટોરી' જેવી ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. લોકો આ ફિલ્મ વિશે મોટી-મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ ન તો તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ છે અને ન તો તે જોવા માંગે છે તેમ નસીરૂદ્દીન શાહે કહ્યું હતું.


નસીરુદ્દીન શાહે ગણાવ્યું સરકારનું કાવતરું


નસીરુદ્દીન શાહે આ ટ્રેંડને જર્મનીમાં નાઝીવાદ સાથે જોડ્યો હતો. તેમનું કહેવું છે કે, હિટલરના સમયમાં સરકાર કે નેતાઓ ફિલ્મ નિર્માતાઓ પાસે પોતાના પર ફિલ્મો બનાવરાવતા હતા. જેમાં તેમના વખાણ કરવામાં આવતા હતા અને બતાવવામાં આવતા હતા કે સરકારે દેશના લોકો માટે શું કર્યું છે. આ કારણે ઘણા ફિલ્મમેકર્સ જર્મની છોડીને હોલીવુડ જતા હતા અને ત્યાં ફિલ્મો બનાવતા હતા. અત્યારે અહીં પણ એવું જ થઈ રહ્યું છે.


આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં


જાહેર છે કે, અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની પટકથા જોરદાર હોવા છતાં પણ તે રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી હતી છે. રિલીઝ થયાને કેટલાંક અઠવાડિયાં વીતી ગયાં છતાં પણ આ ફિલ્મને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વિવાદો વચ્ચે પણ દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. ઘણા લોકો આ ફિલ્મ વિશે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે, પરંતુ અભિનેતા કમલ હાસન અને કોલકાતાના ફિલ્મ નિર્માતા અનિક ચૌધરીએ તેને 'પ્રોપેગન્ડા ફિલ્મ' ગણાવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકા થઈ રહી છે. આ યાદીમાં હવે નસીરૂદ્દીનનું નામ પણ ઉમેરાયું છે.