Padman Producer Prerna Arora Money Laundering Case: બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પ્રેરણા અરોરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રેરણા અરોરા વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું છે સમગ્ર કેસ?
હકીકતમાં મની લોન્ડરિંગના કેસમાં પ્રેરણા અરોરાને ભૂતકાળમાં ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. જે અંતર્ગત પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ ઇડી સમક્ષ હાજર થવાનું હતું પરંતુ મુંબઈની બહાર હોવાને કારણે તે ઈડી સમક્ષ હાજર થઈ શક્યા ન હોતા. પ્રેરણા અરોરાના વકીલોએ ED ઓફિસ પહોંચીને આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં હવે EDએ પોતાના તરફથી કડક પગલાં લેતા પ્રેરણા અરોરા વિરુદ્ધ 31 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસ હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રેરણા અરોરા વિરુદ્ધ પ્રખ્યાત નિર્માતા વાસુ ભગનાની દ્વારા 31.6 કરોડ રૂપિયા પરત ન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રેરણા અરોરા પહેલા જ જેલમાં જઈ ચૂકી છે
પેડમેન, ટોયલેટ એક પ્રેમ કથા, અને પરી જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં નિર્માતા તરીકે કામ કરનાર પ્રોડ્યુસર પ્રેરણા અરોરા 8 મહિના જેલમાં વિતાવી ચૂકી છે. હકીકતમાં, કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પ્રેરણા અરોરાને વર્ષ 2018 અને 2019 દરમિયાન લગભગ 8 મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા. જે બાદ તે જામીન પર બહાર આવ્યા હતા. દરમિયાન હવે EDની આ કાર્યવાહી બાદ પ્રેરણા અરોરાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.