Birthday Special Udit Narayan: પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમના સદાબહાર ગીતો આજે પણ લોકોના મનમાં છવાયેલા છે. સિંગરનો અવાજ દરેકના દિલને સ્પર્શી જાય છે. દરેક પેઢીના લોકોને ઉદિત નારાયણના ગીતો ગમે છે. અત્યારે હાલ પણ દરેક લોકો તેમના ગીતોને સાંભળવાનું પસંદ કરે છે. તેમનો અવાજ સૌ કોઈ ઓળખી જાય છે. આ ગાયકની ગણતરી બોલીવુડના શ્રેષ્ઠ ગાયકોમાં થાય છે. ઉદિત નારાયણનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ સુપૌલમાં થયો હતો. સિંગર આજે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના પિતાનું નામ હરે કૃષ્ણ ઝા અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી છે. ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો..


ગાયકનું અંગત જીવન


જો કે ઉદિત નારાયણે ભલે ઇન્ડસ્ટ્રીને બાય-બાય કહ્યું હોય પરંતુ સિંગર આજ ઘણા શોમાં પણ જોવા મળે છે જ્યાં તે પરફોર્મ કરે છે. ઉદિત નારાયણ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેમ ણે બે લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન રંજના ઝા સાથે અને બીજા લગ્ન દીપા ગહતરાજ સાથે થયા હતા. સિંગરનું નામ ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે રંજના ઝાએ તેમના પર છેતરપિંડી અને છૂટાછેડા વિના બીજા લગ્ન કરવાનો આરોપ લગાવ્યો. શરૂઆતમાં ઉદિત નારાયણે રંજના સાથે લગ્ન કરવાની વાતને નકારી કાઢી હતી, પરંતુ જ્યારે રંજનાએ કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે ઉદિતે આ હકીકત સ્વીકારી હતી. આ પછી કોર્ટે ઉદિતને બંને પત્નીઓ સાથે રહેવા કહ્યું હતું. દીપા ગહતરાજ પોતે પણ એક ગાયિકા છે અને તેણી અને ઉદિતને આદિત્ય નારાયણ નામનો પુત્ર પણ છે જે પોતે પણ એક સારો ગાયક છે.


ઉદિતનું વર્કફ્રન્ટ


સિંગરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે નેપાળી ફિલ્મ સિંદૂરથી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેઓ વર્ષ 1978માં મુંબઈ આવી ગયા. વર્ષ 1980 માં તેમને પ્રથમ વખત કોઈ ફિલ્મમાં ગાવાની તક મળી પરંતુ તેમને વાસ્તવિક સફળતા ફિલ્મ કયામત સે કયામત તકના ગીત 'પાપા કહેતે હૈ બડા નામ કરેગા' થી મળી. આ ગીત માટે તેને શ્રેષ્ઠ ગાયકનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.