Ponniyin Selvan I: જાણીતા ડાયરેક્ટર મણિરત્નમની (Mani Ratnam) આવનારી ફિલ્મ પોન્નિયન સેલવન (Ponniyin Selvan) એક નવલકથા પરથી બનાવવામાં આવી છે. આ બિગ બજેટ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પોન્નિયન સેલવન એક ઐતિહાસિક ફિલ્મ છે અને મણિરત્નમને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ફિલ્મનો પ્રથમ ભાગ આ અઠવાડીયામાં જ 30 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાનો છે. "પોન્નિયન સેલવન" આ જ શિર્ષક પર આધારીત નવલકથા પર બનાવાઈ છે.
ફિલ્મના હિન્દી ટ્રેલરમાં જોવા મળી ભૂલઃ
ઈતિહાસ પર બનનારી ફિલ્મોમાં ઘણી વખત તથ્યાત્મક ભૂલ હોવાની સંભાવના હોય છે. એવી જ એક ભૂલ પોન્નિયન સેલવનમાં પણ છે અને આ ભૂલને શ્રીલંકાના એક ફિલ્મ ચાહકે પકડી છે. શ્રીલંકાના એક ફેને પોન્નિયન સેલવન ફિલ્મના હિન્દી ટ્રેલમાં એક તથ્યાત્મક ભૂલ જોઈ છે. જ્યાં ટ્રેલરમાં 1.50 મિનીટ પર સંવાદ આવે છે જ્યાં શ્રીલંકાને સિંહલના (સિંહલ દેશ) રુપમાં સંબોધિત કરવામાં આવ્યું છે. જો કે, સંવાદમાં સિંહલના બદલે સિંગલા શબ્દ બોલવામાં આવ્યો છે. હવે આ ભૂલને સુધારવા માટેની માંગ પણ આ ફેને કરી છે.
ફિલ્મના હિન્દી ટ્રેલરમાં શ્રીલંકા દેશના ખોટા શબ્દ ઉચ્ચારણથી નિરાશ થયેલા ફેને શ્રીલંકામાં રહેતા તમિલ ભાષી લોકોની વ્યથાને સમજાવી છે. તો ફેને મેકર્સને એક પત્ર દ્વારા ટ્રેલર અને ફિલ્મમાં શબ્દોને તરત જ સુધારો કરવાની માંગ કરી છે. આ પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ફિલ્મ મેકર્સ તરફથી આ અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મેગા બજેટ મૂવી PS1
'પીએસ-1' એક મેગા બજેટ ફિલ્મ છે જે બે ભાગમાં બનાવવામાં આવશે. તેનો પહેલો ભાગ PS-1 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. પોન્નિયન સેલવનનું આ પુસ્તક પાંચ ભાગમાં છે, તે 1955માં બહાર પડ્યું હતું. તમને જણાવી દઈએ કે પોન્નિયન સેલવનને તમિલ ભાષાની મહાન નવલકથાઓમાંની એક માનવામાં આવે છે. 'પીએસ-1'નું મ્યુઝિક એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મના બજેટની વાત કરીએ તો તેને લગભગ 500 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે.