Salman Khan Firing News: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા લોકોએ આ હવાઈ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દીધી છે.


આ ફાયરિંગ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચની સાથે બાંદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડીસીપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં એક્ટર-સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે પણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કહેવામાં આવ્યું હતું કે, તેના સલમાન ખાન સાથે નજીકના સંબંધો હતા, તેથી આ હુમલો કરવામાં આવ્યો હતો.


અગાઉ પણ ધમકી મળી હતી


ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023માં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાનની ઓફિસને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી. હાલમાં સલમાનને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. વાસ્તવમાં, મોહિત ગર્ગના આઈડીથી સલમાન ખાનની  ઓફિસને મોકલવામાં આવેલા ઈમેલમાં કરવામાં આવ્યો હતો, જેમાં  કહેવામાં આવ્યું હતું કે “ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર) તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવા માંગે છે.  તમને  લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે, જો ના જોયો હોય તો જોવા માટે કહો”.


'તમારે મામલો બંધ કરવો હોય તો વાત પૂરી કરો. જો તમારે રૂબરૂ વાત કરવી હોય તો મને જણાવો. હવે અમે સમયસર જાણ કરી દીધી છે, આગામી સમયમાં માત્ર આંચકો આપવામાં આવશે”  આ મેઇલ બાદ  સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરે  , મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી.  મુંબઇ પોલીસે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 120 (બી), 34 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.


લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. લોરેન્સે એબીપી ન્યૂઝના ‘ઓપરેશન ડ્યુરડન્ટ’માં કહ્યું હતું કે ‘હરણને મારવા બદલ તેણે માફી માંગવી પડશે. તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બનીશ. મારા જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે. જો સુરક્ષા હટાવવામાં આવશે તો હું સલમાન ખાનને મારી નાખીશ”.