Jacqueline Fernandez: અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ સુકેશના મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. EDના નવા દાવાઓએ અભિનેત્રીની મુશ્કેલીઓ વધારી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના ગુનાની રકમ જાણી જોઈને સ્વીકારી રહી હતી અને તેનો ઉપયોગ પણ કરી રહી હતી.


જેકલિનની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં EDએ આ દલીલ કરી હતી. અરજીમાં, અભિનેત્રીએ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં કથિત રીતે તેની સાથે સંબંધિત FIR રદ કરવાની માંગ કરી હતી.


આ કેસ જસ્ટિસ મનોજ કુમાર ઓહરી સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો હતો અને જેકલિન તરફથી વકીલે EDની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 15મી એપ્રિલે નક્કી કરી છે. તેના જવાબમાં EDએ દાવો કર્યો હતો કે ફર્નાન્ડિસે ચંદ્રશેખર સાથેના નાણાકીય વ્યવહારો વિશે ક્યારેય સત્ય જાહેર કર્યું નથી અને પુરાવા ન મળે ત્યાં સુધી હંમેશા તથ્યો છૂપાવ્યા હતા.


અહેવાલો અનુસાર, EDએ કહ્યું હતું કે  'જેકલિન શરૂઆતથી જ પોતાને નિર્દોષ અને પીડિતાનો દાવો કરતી હતી, પરંતુ તેણે તપાસમાં એવું કંઈ રજૂ કર્યું નથી કે તેનાથી સાબિત થાય કે સુકેશે તેને છેતરી છે. ' EDનું કહેવું છે કે, જેકલિનને સુકેશના ગુના વિશે જ જાણતી હતી અને એ પણ જાણતી હતી કે લીના મારિયા તેની પત્ની છે છતાં તે સુકેશ સાથે રિલેશનશીપમાં હતી.


EDએ આ કેસને લઈને ઘણા મોટા દાવા કર્યા છે


તેના સોગંદનામામાં EDએ એમ પણ કહ્યું હતું કે જેકલિને ક્યારેય સુકેશ સાથેના નાણાકીય વ્યવહારો વિશે સત્ય જાહેર કર્યું નથી અને પુરાવા ન મળે ત્યાં સુધી તથ્યો છૂપાવ્યા હતા. EDએ કહ્યું, 'તેઓ આજ સુધી સત્યને દબાવી રહ્યાં છે. સુકેશની ધરપકડ પછી જેકલિને ફોનમાંથી તમામ ડેટા ડિલિટ કર્યો હતો. આ રીતે પુરાવા સાથે છેડછાડ કરી હતી. તેણે તેના સહયોગીઓને પુરાવાનો નાશ કરવા પણ કહ્યું હતું. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે સુકેશના ગુના વિશે જાણતી હતી અને તેનો ફાયદો ઉઠાવતી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે જેકલિન આ ગુનામાં સામેલ હતી.


જેકલિને પોતાને નિર્દોષ જાહેર કરી


જેકલિને કહ્યું હતુ કે  તે સુકેશના કાવતરાનો શિકાર છે. તેને મદદ કરવામાં તેની કોઈ સંડોવણી નહોતી. સુકેશ અને તેના સાગરિતોએ કરેલા આ ગુના અંગે તેને પણ કોઈ જાણકારી નહોતી. તેથી પીએમએલએની કલમ 3 અને 4 હેઠળ ગુના માટે તેની સામે કાર્યવાહી કરી શકાતી નથી.