Tanuja Hospitalised: પોતાના સમયના જાણીતા ફિલ્મ અભિનેત્રી તનુજાની તબિયત લથડી હતી. તનુજાને મુંબઈના જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તનુજા હાલ હોસ્પિટલના ICUમાં દાખલ છે. સૂત્રોએ જણાવ્યું કે તનુજાને ઉંમર સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,  હાલમાં તેની સાથે શું થયું તે અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.


પીઢ અભિનેત્રી તનુજાની તબિયત લથડી


80 વર્ષના અભિનેત્રી તનુજા હાલમાં ડોક્ટરોની દેખરેખમાં છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી તનુજાની બગડતી તબિયત અંગેની માહિતી સામે આવી છે. અભિનેત્રી કાજોલ દેવગનની માતાને વય સંબંધિત સમસ્યાઓના કારણે રવિવારે જુહુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  હતા.


કાજોલની માતા ICUમાં દાખલ


અભિનેત્રી તનુજાને કોઈ ઓળખની જરૂર નથી, તેણે ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તનુજા ભૂતકાળની સ્ટાર શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થની દિકરી છે. તનુજા નૂતનની બહેન છે.






તમને જણાવી દઈએ કે તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1943ના રોજ થયો હતો. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં તનુજાની પહેલી ફિલ્મ 'છબિલી' (1960) રીલિઝ થઈ હતી અને આ પછી તે 1962માં આવેલી ફિલ્મ 'મેમ દીદી'માં જોવા મળી હતી.


તનુજાએ આ ફિલ્મોથી એક ખાસ ઓળખ બનાવી હતી


આ સિવાય તનુજા 'બહરેન ફિર ભી આયેંગી', 'જ્વેલ થીફ', 'હાથી મેરે સાથી' અને 'મેરે જીવન સાથી' જેવી ફિલ્મો માટે જાણીતી છે. તનુજાએ ઘણી બંગાળી ફિલ્મો પણ કરી છે. દિવાર, ખાખી, સાથિયા જેવી ફિલ્મોમાં તનુજાએ કામ કર્યું છે.  આ સાથે તનુજા શોમુ મુખર્જીને ફિલ્મ 'એક બાર મુસ્કુરા દો'ના સેટ પર મળી હતી. બંનેએ વર્ષ 1973માં લગ્ન કર્યા હતા. તનુજાને બે દીકરીઓ કાજોલ અને તનિષા છે.  


તનુજાનો જન્મ મરાઠી પરિવારમાં ફિલ્મ નિર્માતા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભના સમર્થના ઘરે થયો હતો. તેના દાદી રતનબાઈ અને કાકી નલિની જયવંત પણ અભિનેત્રી હતા. શોભનાએ તનુજા અને તેની મોટી બહેન નૂતન માટે પહેલી ફિલ્મો બનાવી.