મુંબઈ: ડિજિટલ પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘આશ્રમ’ના સીઝન 2 પર કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો છે. આ વેબ સીરીઝના નિર્માતા નિર્દેશક પ્રકાશ ઝા અને ઓટીટી પ્લેટફોર્મને અલગ અલગ લીગલ નોટિસ મોકલવામાં આવી છે. આ સીરીઝની બીજી સીઝન 9 નવેમ્બરે સ્ટ્રીમ થવાની છે. આ શોનું ટ્રેલર 16 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું અને ટ્રેલરમાં વાંધાજનક દ્રશ્યના આધારે કરણી સેનાએ આ શો પર રોક લગાવવાની માંગ કરી છે.


એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કરણી સેનાના મહામંત્રી (મુંબઈ) સુરજીત સિંહે કહ્યું કે, “આશ્રમ શબ્દ હિંદુઓ માટે આસ્થાનો વિષય છે અને હિંદુ ધર્મમાં આશ્રમની પરંપરાનું વિશેષ મહત્વ છે. આ શોની બીજી સીઝનના ટ્રેલરમાં દર્શવામાં આવેલી વસ્તુઓથી લોકોમાં એ ધારણા બેસસે છે કે, દેશભરમાં તમામ આશ્રમોમાં આ પ્રકારના ખોટા કામો થાય છે. ”

કરણી સેના દ્વારા મોકલવામાં આવેલી આ લીગલ નોટિસમાં શોના મેકર્સ પર હિંદુ ધર્મમાં આસ્થા રાખનાર તમામ લોકોની લાગણી દુભાવવાનો અને હિંદુ ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વેબ સીરીઝમાં બૉબી દેઓલ કાશીપુરવાળા બાબાની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે અદિતિ પોહણકર પમ્મીની ભૂમિકા ભજવી રહી છે.