KGF: કહેવાય છે કે, શ્રદ્ધા પથ્થરને પણ ભગવાન બનાવી દે છે. શ્રદ્ધા હોય તો બધું જ શક્ય છે. અને આવો જ વિશ્વાસ અને શ્રદ્ધા અભિનેતા યશને પોતાની ફિલ્મ KGF માટે હતી. એટલા માટે જ યશ આ ફિલ્મ કન્નડમાં બન્યા બાદ તે હિન્દીમાં પણ રિલીઝ કરવા માગતો હતો. તેનું માનવું હતું કે, KGF માત્ર એક ભાષાકીય ફિલ્મ ન હોઈ શકે પરંતુ તેને વૈશ્વિક સ્તરે રિલીઝ કરવી જોઈએ. અને તેણે પોતાની માન્યતાને સાચી સાબિત કરવા માટે એક મહાન કલાકાર જે કરે તે બધું જ કર્યું.
ચાર મિનિટની ક્લિપે કમાલ કર્યોઃ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ KGF ના નિર્દેશકો અને નિર્માતાઓ તેને માત્ર કન્નડ ભાષામાં જ રિલીઝ કરવા માંગતા હતા એટલે કે તેને માત્ર દક્ષિણના મર્યાદિત દર્શકો માટે જ રિલીઝ કરવાનું આયોજન હતું. પરંતુ જ્યારે યશે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી અને આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેને અંદરથી લાગ્યું કે આ ફિલ્મને તો મોટા લેવલ પર લઈ જવી જોઈએ. માત્ર કન્નડ જ નહીં પરંતુ સાઉથની તમામ ભાષાઓ સિવાય તેને હિન્દીમાં પણ રિલીઝ કરવાની વાત તે સમયે યશના મગજમાં આવી ગઈ હતી. યશે આ ફિલ્મની ચાર મિનિટની ક્લિપ બનાવી જે કન્નડમાં હતી અને તે લઈને તે ક્લિપ લઈને મુંબઈ પહોંચ્યો.
2018માં, યશે અનિલ થડાનીની મદદથી એક્સેલ એન્ટરટેઈનમેન્ટના હેડ વિશાલ રામચંદાની સાથે મીટિંગ નક્કી કરી. આ મીટિંગ થોડી જ મિનિટોની હતી જેમાં યશે ફિલ્મની 4 મિનિટની ક્લિપ વિશાલ રામચંદાનીને બતાવી હતી. આ ક્લિપ હિન્દીમાં નહોતી છતાં પણ તેને જોઈને નક્કી થયું કે, KGF હિન્દીમાં પણ રિલીઝ થશે.
યશે KGFની ક્લિપ હિન્દીમાં સંભળાવી:
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના હેડ વિશાલ રામચંદાની અને યશ વચ્ચે થયેલી આ મીટીંગની ખાસ વાત એ હતી કે, આ ફિલ્મની ક્લિપ કન્નડમાં હતી અને યશે પોતે વિશાલને ડાયલોગનું હિન્દીમાં ભાષાંતર કરીને એ ક્લિપ સંભળાવી હતી. આ મિટીંગ બાદ KGF હિન્દીમાં પણ રિલીઝ થઈ અને તેનું પરિણામ બધાની સામે છે. હવે KGF ચેપ્ટર 2 રિલીઝ થઈ છે અને તેને ભારતભરમાંથી પ્રેમ મળી રહ્યો છે. KGFના મેકર્સ હાલ કમાણીની નોટો ગણી રહ્યા છે. ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ બમ્પર કમાણી કરી લીધી છે.