મુંબઇઃ સિંગર કનિકા કપૂરની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઇ રહી, કોરોના વાયરસ સામે જંગ જીતીને ઘરે પહોંચી ચૂકી કનિકા કપૂરને હવે પોલીસનુ તેડુ આવ્યુ છે. લખનઉ પોલીસે નૉટિસ ફટકારી છે.


લખનઉ પોલીસે કનિકા કપૂરના ઘરની બહાર એક નૉટિસ ચોંટાડી છે અને નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યુ છે.

વાત એમ છે કે કનિકા કપૂર પર લખનઉ પોલીસ દ્વારા આઇપીસીની કલમ 269 (જીવન માટે ખતરનાક બિમારીના સંક્રમણ ફેલાવવાની બેદરકારી કરવી) અને આઇપીસીની કલમ 270 (ઘાતક બિમારીના સંક્રમણને ફેલાવવાની સંભાવના) અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા છે.



કૃષ્ણાનગરના એસીપી દીપક કુમાર સિંહે કહ્યું કે ગાયકે પોલીસ સ્ટેશનમાં આવવુ પડશે, અને પોતાનુ નિવેદન લેખિતમાં આપવુ પડશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રવિવારે કનિકાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના સારવાર કરનારા કર્મચારીઓના પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે, કનિકા 10 માર્ચે લંડનથી મુંબઈ પરત ફરી હતી ત્યાર બાદ થોડા દિવસ બાદ તે લખનઉ ગઈ હતી અને તે ઘણી પાર્ટીઓમાં જોવા મળી હતી. કનિકા કપૂરની બેદરકારીના કારણે તેની પર યુપીના લખનઉમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કનિકા પર કોરોના વાયરસને લઈને લાપરવાહી દાખવવા માટે ઉત્તર પ્રદેશમાં ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



જોકે, કનિકાએ દાવો કર્યો હતો કે, તેનું સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નહોતી. આ માટે તે કાર્યક્રમમાં પહોંચી હતી. દાવામાં એ પણ કહ્યું હતું કે, તેણે કોઈ પાર્ટીનું આયોજન કર્યું નહતું. 17 માર્ચે જ્યારે તેને થોડી તકલીફ થવા લાગી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તે હોસ્પિટલ પહોંચી હતી.