Money Laundering Case: 200 કરોડના સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસની આરોપી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ 27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે દુબઈ જવાની માંગ કરી છે. જેકલીન પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા દુબઈ જવા માંગે છે.


જેકલીનની અરજી પર 27 જાન્યુઆરીએ સુનાવણી થશે


આ પહેલા 29 જાન્યુઆરીએ જેકલીન ફર્નાન્ડિઝે એક દિવસ માટે દુબઈ જવાની પરવાનગી માટે અરજી કરી હતી.  જે પાછી ખેંચી લેવામાં આવી હતી. આ જ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે EDને 27 જાન્યુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. જણાવી દઈએ કે પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ જવા માટે જેકલીનની અરજી પર 27 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થશે.


મની લોન્ડરિંગ કેસની સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે


જણાવી દઈએ કે 200 કરોડના સુકેશ ચંદ્રશેખર કેસની સુનાવણી પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ગત સોમવારે એટલે કે 23 જાન્યુઆરીએ મુલતવી રાખવામાં આવી હતી. આ કેસમાં આરોપો પર કોર્ટમાં ચર્ચા થવાની બાકી હતી. જેને પગલે કોર્ટે સુનાવણી 15 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. આ સાથે જ જેકલીનને કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે અભિનેત્રી જેક્લીનને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે.


જેકલીને મહાઠગ સુકેશ પર આ આરોપો લગાવ્યા છે


બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ 18 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થઈ હતી. આ દરમિયાન તેણે 200 કરોડની મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રી જેકલીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુકેશે તેની લાગણીઓ સાથે રમત રમી તેનું જીવન નર્ક બનાવી દીધું અને તેની કારકિર્દી પણ બરબાદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેક્લિને દાવો કર્યો હતો કે સુકેશે તેને સન ટીવીના માલિક તરીકે ઓળખાણ આપી હતી અને એ પણ કહ્યું હતું કે તે તમિલનાડુના સ્વર્ગસ્થ સીએમ જયલલિતાના સંબંધી છે.


જેકલીન પર શું છે આરોપ?
જેકલીન ફર્નાન્ડિસ પર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. અભિનેત્રી પર છેતરાયેલી રકમનો ફાયદો ઉઠાવવાનો આરોપ છે. EDએ આ કેસમાં જેકલીનને આરોપી બનાવી છે. બીજી તરફ જેકલીનનું કહેવું છે કે તે પોતે પણ આ મામલે પીડિતા છે. એવા અહેવાલો છે કે જેકલીન અને સુકેશ રિલેશનશિપમાં હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા. જેકલીનને ખુશ કરવા સુકેશ તેને મોંઘીદાટ ભેટો આપતો હતો. જેકલીન સુકેશ સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી. થોડા દિવસો પહેલા સુકેશે જેકલીન નિર્દોષ છે તેવો જેલમાંથી પત્ર લખ્યો હતો. સુકેશે લખ્યું કે જેકલીન માત્ર તેની પાસેથી પ્રેમ ઇચ્છતી હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓએ જેકલીનને પીએમએલએ હેઠળ દોષી ઠેરવી છે.