Nagma Morarji Cyber Fraud: અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ બાબતે કેસ નોંધાવ્યો છે. એક્ટ્રેસ નગમાંના બેંક ખાતામાંથી લગભગ 1 લાખ રૂપિયા અચાનક ગાયબ થઈ ગયા છે. જેને પગલે એક્ટ્રેસ નગમાંએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 420,419, 66c અને 66D હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મોબાઈલમાં આવો મેસેજ આવ્યો
28 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા નગમાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેનું નેટ બેન્કિંગ બ્લોક કરી દેવામાં આવશે. જો તમારું નેટ બેન્કિંગ એક્ટિવ રાખવું હોય તો આજે રાત્રે તમારો પાન કાર્ડ નંબર અપડેટ કરો. આવા મેસેજને પગલે નગમાએ લિંક પર ક્લિક કર્યું અને પછી OTP પૂછવામાં આવ્યો. મોબાઈલમાં OTP નંબર અપડેટ થતાની સાથે જ નગમાના બેંક ખાતામાંથી 99,998 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.
નગમાએ એફઆઈઆર નોંધાવી
આ મામલે અભિનેત્રી નગમાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. છેલ્લા બે સપ્તાહમાં આવા અનેક મામલા સામે આવ્યા છે. મુંબઈ સાયબર સેલે આવા મામલામાં 70થી વધુ FIR નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આવી છેતરપિંડી માટે 300થી વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમની ઓળખ કરવામાં આવી છે.
ગેંગની શોધખોળ કરી રહી છે પોલીસ
પોલીસનું કહેવું છે કે આવી છેતરપિંડી માટે 5000થી વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક સંગઠિત અપરાધ છે. જે ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે. સાયબર ડીસીપીના જણાવ્યા અનુસાર લાખો લોકોને આવા મેસેજ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. હાલમાં આ ગેંગ ક્યાંથી કાર્યરત છે અને તેમાં કેટલા લોકો છે? તે હજુ જાણી શકાયું નથી.