મુંબઇઃ 2017માં પ્લેનની અંદર બોલિવૂડ ચાઇલ્ડ એક્ટ્રેસ સાથે છેડતી કરવાના આરોપી વિકાસ સચદેવાને કોર્ટે ત્રણ વર્ષી જેલની સજા સંભળાવી હતી. POCSO એક્ટના સેક્શન 8 અને આઇપીસીની કલમ 354 (છેડતી) હેઠળ આરોપીને ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે. તે સિવાય કોર્ટે આરોપીને 25 હજાર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આરોપીના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી કે વિકાસ સચદેવાની કમાણી પર તેમનું ઘર ચાલે છે. પ્રથમવાર તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર કોઇ બીજો ક્રિમિનલ કેસ નથી. એટલા માટે તેમને ઓછી સજા આપવામાં આવે પરંતુ કોર્ટે વિકાસ સચદેવાને રાહત આપી નહોતી. આરોપી વિકાસ પાસે હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઓપ્શન છે. નોંધનીય છે કે વિકાસ સચદેવા 41 વર્ષના છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં બોલિવૂડ એક્ટ્રેસ દિલ્હીથી મુંબઇ આવી રહી હતી ત્યારે વિકાસ સચદેવાએ ફ્લાઇટની અંદર તેની સાથે છેડતી કરી હતી. એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે ફ્લાઇટમાં તેમની પાછળ બેસેલા વ્યક્તિએ તેની સાથે છેડતી કરી હતી. ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ પાસે ફરિયાદ બાદ પણ એક્ટ્રેસની મદદ કરવામાં આવી નહોતી. પછી મુંબઇ પહોંચ્યા બાદ એક્ટ્રેસે લાઇવ વીડિયો કરી ઘટનાની જાણકારી આપી હતી. બાદમાં આરોપી વિરુદ્ધ એક્ટ્રેસે પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી હતી.