મુંબઈ: રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મ કેસમાં જ્યાં એક તરફ મુંબઈ ક્રાઈમ બ્રાંચ તરફથી નવા-નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મુંબઈ સેશન કોર્ટે એક્ટ્રેસ શર્લિન ચોપડાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડાની આગોતરા જામીન અરજીને ફગાવી છે.



પોર્નગ્રાફી રેકેટ કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પહેલાથી જ સળિયા પાછળ છે. પોલીસે આ કેસમાં શર્લિન ચોપરાનું નિવેદન નોંધ્યું છે, ત્યારબાદથી શર્લિન તેની ધરપકડથી ડરતી હતી. આને કારણે, શર્લિનએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હવે કોર્ટે ફગાવી દીધી છે. શર્લિન વતી, તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેત્રી ધરપકડથી ડરતી નથી, તે ફક્ત પોતાનો બચાવ કરી રહી છે.


મુંબઈ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સેલે શર્લિન ચોપડાને સમન્સ પાઠવીને પૂછપરછ કરવા જણાવ્યું છે. શર્લિન સાથે ગેહના વશિષ્ઠને પણ બોલાવવામાં આવી હતી. બંને અભિનેત્રીઓ પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી અને વધુ કેટલાક દિવસો માંગ્યા હતા. શર્લિન ચોપડા પોલીસ સમક્ષ જુબાની આપવાનું ટાળી શકે છે, પરંતુ મીડિયાની સામે શર્લિન રાજ કુંદ્રા ઉપર ગંભીર આક્ષેપો કરે છે.  


બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર સેબીએ પણ કાર્યવાહી કરી છે. આ બંનેની સાથે વિયાન ઈન્ડસ્ટ્રીઝે પણ શેર કારોબારોમાં ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન બદલ દોષી માન્યા છે અને તેના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


સેબી તપાસમાં જાણવા મળ્યું કે, 1 સપ્ટેમ્બર 2013થી 23 ડિસેમ્બર 2015 વચ્ચે રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે સેબીના રેગુલેશંસ એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે. કંપનીએ દ્વારા 29 ઓક્ટોબર 2015ના રોજ 5 લાખ ઈક્વિટી શેરનું એલોટમેંટ ચાર લોકોને કરાયું હતું. જેમાં રાજ અને શિલ્પા બંનેને 1,28,800 શેર ફાળવવામાં આવ્યા હતા.આ ફાળવણી બાદ બંનેએ સેબીના નિયમ મુજબ શેરના 10 લાખ રૂપિયા સુધીના ખરીદ વેચાણની જાણકારી આપવી જરૂરી હતી. પરંતુ લાંબા સમય સુધી તેમણે આ જાણ કરી નહોતી. જેને લઈ આ કાર્યવાહી કરાઈ છે.