NEET Supreme Court Hearing:  મંગળવારે (11 જૂન) સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષા રદ કરવાની અને ફરીથી પરીક્ષા લેવાની માંગ કરતી અરજીઓની સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી' એટલે કે NTAને નોટિસ જાહેર કરી અને પેપર લીક અંગે તેમની પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે NTAની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે તેથી અમારે જવાબ જોઇએ છે. કોર્ટે કાઉન્સેલિંગ રોકવાનો પણ ઈન્કાર કરી દીધો છે.










જસ્ટિસ વિક્રમ નાથ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે NEET પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરી હતી. નીટ પરીક્ષાને રદ કરવા અને ફરીથી પેપર યોજવાની માંગ કરતી અરજીઓને શિવાંગી મિશ્રા અને અન્ય નવ અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આ વર્ષે લેવાયેલી NEET પરીક્ષાનું પેપર લીક થયું છે અને તેમાં ગેરરીતિઓ જોવા મળી છે. વિપક્ષ પણ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અંગે અવાજ ઉઠાવી રહ્યો છે અને તપાસની માંગ કરી રહ્યો છે.






NEET પરિણામ સામે નવી અરજીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે


સુનાવણી દરમિયાન વકીલ જે ​​સાઈ દીપકે NEET પરિણામને પડકારતી નવી અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર જસ્ટિસ વિક્રમ નાથે તેમને રજિસ્ટ્રી સમક્ષ અરજીનો ઉલ્લેખ કરવા કહ્યું અને એમ પણ કહ્યું કે તેને ચીફ જસ્ટિસ મારફતે મોકલવામાં આવશે. જવાબમાં વકીલે કહ્યું કે NEET કાઉન્સેલિંગ શરૂ થવાનું છે અને સંબંધિત અરજી આજે સુનાવણી માટે સૂચિબદ્ધ છે. જો કે, જસ્ટિસ વિક્રમ નાથે સ્પષ્ટ કર્યું કે અરજીનો ઉલ્લેખ રજિસ્ટ્રી સમક્ષ જ થવો જોઈએ.






NTAની વિશ્વસનિયતા પર ઉઠ્યા સવાલ: સુપ્રીમ કોર્ટ


જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેથી અમને પ્રતિવાદીઓ પાસેથી જવાબ જોઇએ છે. જસ્ટિસ નાથે વધુમાં કહ્યું કે નોટિસ જાહેર કરવામાં આવી રહી છે અને આ દરમિયાન NTAએ જવાબ દાખલ કરવો પડશે. કાઉન્સેલિંગ શરૂ થવા દેવામાં આવે, અમે તેને રોકવાના નથી.


સુપ્રીમ કોર્ટે કથિત પેપર લીક પર NEET UG પરીક્ષા રદ કરવાની અરજી પર નોટિસ જાહેર કરી અને NTA પાસેથી જવાબ માંગ્યો હતો. સાથે જ કહ્યું કે હવે આ મામલે 8 જુલાઈએ સુનાવણી થશે. બેન્ચે NTAને કહ્યું કે વિશ્વસનીયતા પ્રભાવિત થઈ છે, તેથી અમને જવાબોની જરૂર છે.