Salman-Akshay-Chiranjeevi On Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ ભયાનક અકસ્માતમાં લગભગ 261 લોકોના મોત થયા છે. ઓડિશામાં ગઈકાલે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ દેશભરમાંથી ઈજાગ્રસ્તો અને મૃતકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સુધીના ઘણા સેલેબ્સે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ સુપરસ્ટાર ચિરંજીવીએ પણ લોકોને રક્તદાન કરવા અપીલ કરી છે.
અક્ષય અને સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યું દુઃખ
બોલિવૂડ એક્ટર સલમાન ખાને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને ઘાયલોને અને તેમના પરિવારોને શક્તિ આપે. અક્ષય કુમારે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. ગ્લોબલ સ્ટાર જુનિયર એનટીઆરએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતાએ લખ્યું છે કે, આ ભયાનક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે મારી સહાનુભૂતિ છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.
સુપરસ્ટાર ચિરંજીવીએ અપીલ કરી હતી
આ ભયાનક અકસ્માત બાદ સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાના ચાહકો અને સામાન્ય લોકોને ખાસ અપીલ કરી છે. ચિરંજીવીએ અપીલ કરી અને કહ્યું હતું કે, તેમણે મદદ કરવા અને રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. ચિરંજીવીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ઓડિશામાં થયેલી દુ:ખદ ઘટનાથી આઘાતમાં છું, પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. આ સાથે અભિનેતાએ લખ્યું હતું કે, તેને લાગે છે કે, આ સમયે ઈજાગ્રસ્તોના જીવ બચાવવા માટે લોહીની જરૂર પડશે. હું મારા તમામ ચાહકો અને આસપાસના વિસ્તારના સામાન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરું છું.
અન્ય કલાકારોએ પણ વ્યક્ત કર્યું દુઃખ
બોલિવુડના સોનુ સૂદ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, કૃતિ સેનન, કરીના કપૂર, પરિણીતી ચોપરા સહિત ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે અને ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ સ્ટાર્સે પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી હતી.