RRR For Oscar: સાઉથની સુપરહિટ ફિલ્મ RRR ના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમય સુધી ઓસ્કારની રેસમાં RRR અને કાશ્મીર ફાઈલ્સના નામને લઈને ચર્ચા ચાલી હતી. પરંતુ છેલ્લે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' (The Last Show)એ બંનેને ઓસ્કારની રેસમાં પાછળ છોડી દીધા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે એસએસ રાજામૌલીની આરઆરઆરએ પણ ઓસ્કાર એન્ટ્રીની તૈયારીઓ કરી લીધી છે.


ભારત તરફથી ગુજરાતી ફિલ્મ  'ધ લાસ્ટ શો'ને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ બોર્ડના આ નિર્ણયથી RRRના મેકર્સ ખૂબ જ નિરાશ થયા હતા અને તેઓ નારાજ પણ હતા. તેમનું માનવું હતું કે જે રીતે વિદેશના લોકોએ ફિલ્મને પસંદ કરી છે તે જોતાં RRR ઓસ્કર માટે પ્રબળ દાવેદાર હતી. ત્યારે હવે ફેન્સની આ ઈચ્છા પણ પુર્ણ થવા જઈ રહી હોય એવું લાગી રહ્યું છે.


RRR ના નિર્માતાઓએ અરજી કરી


હવે આરઆરઆરના નિર્માતાઓએ ઓસ્કાર માટે વ્યક્તિગત કેટેગરીમાં પ્રવેશ માટે અરજી કરી છે. મેકર્સે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા RRR ટીમે લખ્યું કે - ''અમને ગર્વ છે કે RRR એ વિશ્વવ્યાપી સફળતા હાંસલ કરી છે અને ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ ગઈ છે. અમે જનરલ કેટેગરીમાં ઓસ્કાર માટે અરજી કરી છે.''


આરઆરઆર ફિલ્મ મેકર્સને લાગે છે કે, તેમની ફિલ્મ ઓસ્કાર માટે પ્રબળ દાવેદાર સાબિત થઈ શકે છે અને તે એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ ઓસ્કારની રેસને પાર કરી શકશે કે નહી?