'સ્કેમ 1992' અને 'ધ ગ્રેટ ઈંડિયન મર્ડર' જેવી વેબ સીરીઝથી જાણીતા થયેલા મુળ ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીએ રવિવારે ટ્વીટ કરીને મુંબઈ પોલીસ ઉપર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રતિકે ગઈકાલે સાંજે એક ટ્વીટ કર્યું હતં જેમાં પ્રતિકે દાવો કર્યો કે, વીઆઈપી મૂવમેન્ટના કારણે પોલીસે તેની સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું.


પ્રતિક ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, "મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસવે હાઈવે વીઆઈપી મૂવમેન્ટ (અવરજવર)ના કારણે જામ હતો. જેથી હું પગે ચાલીને શૂટિંગના લોકેશન પર જઈ રહ્યો હતો. ત્યારે જ પોલીસે મને ખભાથી પકડ્યો અને કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર કોઈ અજાણ્યા માર્બલના વેરહાઉસમાં ધકેલી દીધો. અપમાન અનુભવી રહ્યો છું."






પ્રતીક ગાંધીના આ ટ્વીટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા પણ આપી હતી. એક યુઝરે લખ્યું કે, "દર વખતે રિસ્ક હૈ તો ઈશ્ક હૈ ના હોય મોટા ભાઈ." આ યુઝરને રિપ્લાય આપતાં પ્રતિકે લખ્યું કે, "ભાઈ કોઈ રિસ્ક નહોતું બસ કામ પર જઈ રહ્યો હતો." આ સિવાય એક તેજસ જોશી નામના યુઝરે લખ્યું કે, "પીએમ મોદી અહીં (મુંબઈ) આવેલા છે." આ યુઝરને રિપ્લાય આપતાં પ્રતિકે કહ્યું કે, "ઉપ્સ, મને તો ખબર નહોતી."



તમને જણાવી દઈએ કે, શનિવારે જ મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, વીઆઈપી મૂવમેન્ટના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર સેંટાક્રૂઝથી ધારાવી અને માટૂંગા તરફ બપોરે 3 થી 9 વાગ્યા સુધી 24 એપ્રિલ 2022ના રોજ ટ્રાફિક ધીમો રહી શકે છે. મુંબઈવાસીઓને અપિલ છે કે આ રુટના બદલે અન્ય વૈકલ્પિક રુટનો ઉપયોગ કરે.