Priyanka Chopra Comeback: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લાંબા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. ત્યારથી પ્રિયંકા હોલિવૂડના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ઘણા સમયથી પ્રિયંકાના કમબેકના સમાચાર હતા. હવે પ્રિયંકાએ તેના કમબેકની પુષ્ટી કરી છે.
પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરની ‘જિ લે ઝરા’ સાથે કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં વિલંબ થયો છે. દરમિયાન, પ્રિયંકાએ તાજેતરમાં તેના કમબેકને લઇને અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે તેની કીટીમાં ખૂબ જ સારો પ્રોજેક્ટ છે.
ટૂંક સમયમાં જાહેરાત કરશે
એચટી સિટી સાથે વાત કરતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે વર્ષ 2025માં તેના બોલિવૂડમાં કમબેકની જાહેરાત કરશે. પ્રિયંકાએ કહ્યું- 'હું મજાક નથી કરી રહી, હું અહીં ઘણા ફિલ્મમેકર્સને મળી છું અને ઘણી સ્ક્રિપ્ટ વાંચી છું. હું સક્રિયપણે કંઈક શોધી રહી છું જે હું હિન્દીમાં કરવા માંગુ છું. આ વર્ષ મારા માટે ખરેખર વ્યસ્ત રહ્યું છે. પરંતુ મારી પાસે કંઈક છે, હું તેને અહીં છોડીશ. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું તે ‘જિ લે ઝરા’ને લઈને કોઈ હિંટ આપી રહી છે તો તેણે કહ્યું - તમારે આ વિશે એક્સેલ સાથે વાત કરવી જોઈએ.
‘જિ લે ઝરા’ની જાહેરાત વર્ષ 2021માં કરવામાં આવી હતી. તેની કાસ્ટને કારણે આ ફિલ્મ તેની જાહેરાત બાદથી ધૂમ મચાવી રહી હતી. જોકે, કલાકારોની તારીખોને કારણે ફિલ્મમાં વિલંબ થઇ છે. જો કે, ઝોયા અખ્તર અને ફરહાન અખ્તરે ખાતરી આપી છે કે ફિલ્મ બંધ કરવામાં આવી નથી અને તમામના શિડ્યૂલને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.