PVR-Inox: સિનેમા હૉલ ચલાવતી અગ્રણી કંપની PVR-Inoxને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપની હવે પોતાની લગભગ 50 ખોટ કરતી સ્ક્રીનને બંધ કરવાની યોજના બનાવી રહી છે. PVR-Inoxએ આ મુદ્દે એવું પણ જણાવ્યુ છે કે, તે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 150 થી 175 સ્ક્રીન ઓપન કરવાનું પ્લાનિંગ પણ કરશે. PVR-Inox એ 31 માર્ચ, 2023 ના દિવસે પુરા થતાં નાણાકીય વર્ષ માટે રોકાણકારોને ફાઇલિંગમાં આ વાત જણાવી હતી.


કંપની કેમ બંધ કરી રહી છે આ સિનેમા સ્ક્રીન  - 
આ સિનેમા હૉલ કાં તો ખોટમાં ચાલી રહ્યાં છે, અથવા તો શૉપિંગ મૉલમાં છે જ્યાં તેમની મર્યાદા પુરી થવાની નજીક છે, અને હવે તેને પાટા પર પરત લાવવાની આશા નહીવત છે. પીવીઆર-આઈનૉક્સ લિમિટેડ બે અગ્રણી સિનેમા બ્રાન્ડ્સ પીવીઆર લિમિટેડ અને આઈનૉક્સ લેઝરના મર્જર પછી અસ્તિત્વમાં આવી. આ બે કંપનીઓનું મર્જર 6 ફેબ્રુઆરી 2023ના દિવસે થયુ હતુ.


મર્જ કરેલી એન્ટિટી ભારત અને શ્રીલંકાના 115 શહેરોમાં 1,698 સ્ક્રીનો સાથે 361 સિનેમા હૉલ ચલાવે છે. ઈલારા કેપિટલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કરણ તુરાનીએ જણાવ્યું કે, "50 સ્ક્રીન બંધ થવાથી 10 કરોડની ટેક્સ પહેલાંની કમાણી (EBITDA) પર અસર પડશે. 


કંપની 150 થી 175 સ્ક્રીન ઓપન કરવાની પણ યોજનામાં છે - 
આ સ્ક્રીનો મોટા અને મધ્યમ શહેરોમાં છે. PVR Inox એ પણ કહ્યું કે, તે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 150 થી 175 સ્ક્રીન ઓપન કરવાની યોજના પણ ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આમાંથી અત્યાર સુધીમાં નવ સ્ક્રીન ખોલવામાં આવી છે. 15 સ્ક્રીનના કિસ્સામાં કૉમર્શિયલ કામગીરી માટે લાયસન્સની રાહ જોવાઈ રહી છે. 152 સ્ક્રીન પર કામ જુદાજુદા તબક્કામાં છે.


પીવીઆર આઇનૉક્સ લિમિટેડના ત્રિમાસિક પરિણામો કેવા રહ્યાં - 
PVR Inox Limited (અગાઉ PVR લિમિટેડ તરીકે ઓળખાતી) એ 31 માર્ચ, 2023 ના દિવસે પુરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 333.99 કરોડની એકીકૃત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. પીવીઆર આઈનૉક્સે એક રેગ્યૂલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી હતી. એક વર્ષ અગાઉ જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં કંપનીએ 105.49 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.