Rajinikanth Breaks Silence On Touching Cm Yogi Feet: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત હાલમાં ફિલ્મ 'જેલર'ને લઇને ચર્ચામાં છે. લોકો તેમની ફિલ્મના ખૂબ વખાણ  કરી રહ્યા છે. તાજેતરમાં જ રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ દરમિયાન રજનીકાંતે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવતા જ રજનીકાંત ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. વાસ્તવમાં રજનીકાંતની ઉંમર યોગી આદિત્યનાથ કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં તેમના ચાહકોને યોગી આદિત્યનાથના પગે લાગવું પસંદ પડ્યું નહોતું. છેલ્લા અઠવાડિયાથી સતત તેઓને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે રજનીકાંતે આ અંગે પોતાનું મૌન તોડ્યું હતું અને યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું


રજનીકાંત યોગી આદિત્યનાથના પગે કેમ લાગ્યા?


રજનીકાંત છેલ્લા કેટલાક દિવસોથી સતત પ્રવાસ કરી રહ્યા છે. તેમની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ દરમિયાન રજનીકાંતને પણ સીએમ યોગીને પગે લાગવા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ચેન્નઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહીં તેઓને સીએમ યોગીને પગે લાગવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું. જેના પર અભિનેતાએ ANIને કહ્યું હતું, "યોગી અથવા સંન્યાસીઓના પગને સ્પર્શ કરવો અને તેમના આશીર્વાદ મેળવવાની મારી આદત છે. ભલે તેઓ મારા કરતા નાના હોય. મેં તે જ કર્યું છે.’


રજનીકાંત રાજનીતિ વિશે વાત કરવા માંગતા નથી


પીટીઆઈ અનુસાર, આ દરમિયાન રજનીકાંતે તેમની ફિલ્મ જેલરની શાનદાર સફળતા માટે લોકોનો આભાર પણ માન્યો હતો. જ્યારે તેમને 2024ની લોકસભા ચૂંટણી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ રાજકારણ વિશે વાત કરવા માંગતા નથી.


નોંધનીય છે કે રજનીકાંતે તેમના યુપી પ્રવાસ દરમિયાન જેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરી હતી. જેમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ ભાગ લીધો હતો. તેમની યુપી મુલાકાત દરમિયાન તેઓ સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યા હતા.


વાસ્તવમાં રજનીકાંત બદ્રીનાથના દર્શન કરીને સીધા જ લખનઉ પહોંચ્યા હતા. ત્યાં તેઓ સૌપ્રથમ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને મળ્યા હતા. આ દરમિયાન મંત્રીઓ માટે રજનીકાંતની ફિલ્મ 'જેલર'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બંનેએ બપોરે 1:30 વાગ્યે સાથે બેસીને ફિલ્મ જોઈ હતી. લખનઉના ફોનિક્સ પ્લાસિયોના આઇનોક્સ મેગાપ્લેક્સમાં બધાએ ફિલ્મ જોઈ હતી.


આ પછી રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વીડિયોમાં રજનીકાંત પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને સીએમ યોગીને સીધા મળ્યા અને તેમના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.  સીએમ યોગીએ રજનીકાંતને ફૂલોનો ગુલદસ્તો આપીને આવકાર્યા અને પૂર્ણ સન્માન સાથે ઘરની અંદર લઈ ગયા હતા. આ દરમિયાન રજનીકાંત સાથે તેમના પત્ની લતા પણ હાજર રહ્યા હતા.


નોંધનીય છે કે રજનીકાંતની જેલર ફિલ્મ સુપરહિટ સાબિત થઇ રહી છે.  ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેલરે પહેલા દિવસે 48.35 કરોડની કમાણી કરી હતી. તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે.