Sushant Singh Rajput Death Update: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતને બે વર્ષ થઈ ગયા છે. પરંતુ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ હજી પણ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. રિયા હજી પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB) રડાર પર છે. સુશાંતના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી NCBએ હવે રિયા ઉપર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ લગાવ્યો છે. એનસીબીએ ચાર્જશીટ દાખલ કરી છે જેમાં દાવો કરાયો છે કે, રિયાએ તેના ભાઈ શૌવિક સહિત સહઆરોપીઓ પાસેથી ગાંજો લીધો હતો અને સુશાંતને આપ્યો હતો.
રિયા સહિતના આરોપીઓએ ષડયંત્ર રચ્યુંઃ NCB
NCBએ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એકટ - 1995 હેઠળ કોર્ટમાં 35 આરોપીઓ સામે ગયા મહિને ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટનું વિવરણ મંગળવારે જાહેર કરાયું હતું. ચાર્જશીટ મુજબ, બધા આરોપીઓએ એક-બીજા સાથે મળીને સમૂહમાં માર્ચ 2020 અને ડિસેમ્બર 2020 વચ્ચે ષડયંત્ર રચ્યું હતું જેથી તેઓ હાઈ-સોસાયટી અને બોલીવુડમાં નશીલા પદાર્થોનું વિતરણ, વેચાણ અને ખરીદી કરી શકે.
NCBએ કહ્યું કે, આરોપીઓએ મુંબઈમાં નશીલા પદાર્થની તસ્કરી અને નાણાકીય ફંડ આપ્યું હતું. ગાંજો, ચરસ, કોકીન સહિતના અન્ય નશીલા પદાર્થનો ઉપયોગ પણ આરોપીઓએ કર્યો હતો. ચાર્જશીટમાં લખાયેલા આરોપ અનુસાર આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 27 અને 27 A (ગેરકાનૂની તસ્કરીને ફંડ આપવું અને ગુનેગારોને શરણ આપવું) સહિતની કલમો લગાવી છે
આરોપોમાં કહેવાયું છે કે, આરોપી નંબર 10 - રિયા ચક્રવર્તીએ આરોપી સૈમુઅલ મિરાંડા, શૌવિક, દિપેશ સાવંત અને અન્ય પાસેથી ગાંજો લીધો હતો અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આપ્યો હતો. રિયાએ શૌવિક અને સ્વ. સુશાંતસિંહના કહેવા પર માર્ચ 2020 અને સપ્ટેમ્બર 2020માં આ ખેપ માટે પેમેન્ટ કર્યું હતું. ચાર્જશીટ મુજબ, રિયાનો ભાઈ શૌવિક નશીલા પદાર્થોની તસ્કરી કરનારા લોકોના નિયમિત સંપર્કમાં હતો. તેણે ગાંજો અને ચરસના ઓર્ડર આપ્યા બાદ આ પદાર્થોને સુશાંતને આપ્યા હતા.