નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ સંબંધિત કેસમાં રિયા ચક્રવર્તીની ગઇકાલે નેશનલ નાર્કૉટિક્સ બ્યૂરોએ ધરપકડ કરી લીધી છે. રિયાએ કબુલ્યુ કે તે ડ્રગ્સ રેકેટમાં સંલિપ્ત હતી. રિયા ચક્રવર્તી જ્યારે એનસીબીની ઓફિસ પહોંચી ત્યારે તેની ટીશર્ટે બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. આ ટીશર્ટ પર લખેલો મેસેજ રિયાની ધરપકડ બાદ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો હતો.


સોશ્યલ મીડિયા પર રિયાની ટીશર્ટનો મેસેજ વાયરલ થઇ રહ્યો હતો, રિયાએ બ્લેક ટીશર્ટ પહેરેલી હતી, અને વ્હાઇટ અક્ષરોમાં લખેલુ હતુ, 'ગુલાબ લાલ હોય છે, વાયૉલેટ વાદળી હોય છે, આવો પિતૃસત્તાને ધ્વસ્ત કરીએ, હું અને તમે...' રિયાની ટીશર્ટ પર લખેલા આ શબ્દો ઘણુબધુ કહી જાય છે.



સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."



14 જૂને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તી શંકાના ઘેરમાં આવી ગઇ હતી, અને બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, પૈસાની લેવડદેવડ મામલે ઇડી અને ડ્રગ્સ મામલે એનસીબી હાલ તપાસ ચલાવી રહી છે.