Salman Khan Death Threat: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેમના પિતા સલીમ ખાનને મારવાની ધમકી આપતો પત્ર કાલે મળ્યો હતો. આ ધમકીભર્યા પત્રથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીની અંદર અને બહાર હલચલ મચી ગઈ છે. તો બીજી તરફ મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ આ અંગે જણાવ્યું કે, આ કેસને ઘણી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે સલમાન ખાનને મળેલા પત્ર અને આ સમગ્ર મામલે ખુબ જ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કેસમાં હાલ કોઈની અટકાત નથી કરવામાં આવી જો કે આગળ જરુર પડશે તો સલમાન ખાનની સુરક્ષા હજુ વધારવામાં આવશે.


તો બીજી તરફ પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે પણ સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે પુછપરછ કરી છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને રવિવારે અજ્ઞાત સોર્સથી તેમને જાનથી મારવાની ધમકી આપતો પત્ર મળ્યા બાદ મુંબઈ પોલીસે પ્રાથમિક અરજી દાખલ કરી છે.




રવિવારે મળ્યો હતો ધમકીનો પત્રઃ
એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે સવારે ચાલવા નિકળેલા સલીમ ખાન બાન્દ્રા બસસ્ટેન્ડની બેન્ચ પર બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર આપ્યો હતો. આ પત્રમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જીવથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.