Salman Khan: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે આરોપીનો ઈરાદો હત્યા કરવાનો નહોતો પરંતુ માત્ર ડર ઉભો કરવાનો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ બિહાર જઈને બંને આરોપીઓના પરિવારજનોનું નિવેદન નોંધ્યું છે. આ સાથે સાગર પાલના ભાઈ સોનુ પાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીઓએ સલમાન ખાનના પનવેલ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસની પણ રેકી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની હિલચાલ વિશે સતત વિગતવાર માહિતી આપતા હતા અને કોલ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈથી ગુજરાતના ભુજ ભાગી ગયા હતા. પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે સુરત નજીક આરોપીઓએ મોબાઈલનું સીમ કાર્ડ પણ બદલી નાખ્યું જેનો તેઓ વાતચીત માટે ઉપયોગ કરતા હતા.
હરિયાણાનો એક શકમંદ કસ્ટડીમાં છે
તમને જણાવી દઈએ કે ફાયરિંગ કેસમાં પોલીસે હરિયાણાથી એક શકમંદની અટકાયત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે જે શંકાસ્પદને અટકાયતમાં લેવામાં આવ્યો છે તે ઘટના પહેલા અને પછી આરોપીના સતત સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચનાઓ લીધી હોવાની શંકા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ!
નોંધનીય છે કે આ ઘટના બાદ એક ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેને કથિત રીતે અનમોલ બિશ્નોઈ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરી છે.
મુંબઈના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાઈજાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને સલમાન ખાનની સુરક્ષા વધારવાનું સૂચન કર્યુ હતું.