દિલ્હી હાઈકોર્ટે બુધવારે અભિનેતા શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. કોર્ટે તમામ પક્ષકારોને તેમના જવાબો દાખલ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થવાની છે.

Continues below advertisement

 

સમીર વાનખેડેએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે 18 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ "ધ બેડ્સ ઓફ બોલિવૂડ" દ્વારા તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. આ શો શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. વાનખેડે કહે છે કે સિરીઝમાં એક પાત્ર તેમને NCB અધિકારી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે અને જે દ્રશ્યમાં તેમને બતાવવામાં આવ્યા છે તે તેમના માટે બદનક્ષીકારક છે.

વાનખેડેએ 2 કરોડ રુપિયા વળતરની માગ કરી

ભૂતપૂર્વ NCB અધિકારીએ કોર્ટને શોની સામગ્રીને બદનક્ષીભરી જાહેર કરવા વિનંતી કરી છે અને ₹2 કરોડના વળતરની માંગ કરી છે. વાનખેડેનો દાવો છે કે શો પ્રસારિત થયા પછી, તેમને સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો, જેનાથી તેમની જાહેર છબીને ભારે નુકસાન થયું. તેમના મતે, આ શો માત્ર ખોટો નથી પણ તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે.

કોર્ટ 30 ઓક્ટોબરે તમામ પક્ષકારોની દલીલો સાંભળશે

માનહાનિ અરજીમાં, તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સર્જનાત્મક અથવા ફિલ્મી કલ્પનાના આડમાં વ્યક્તિની છબી ખરડી શકાતી નથી. વાનખેડેએ એમ પણ નિર્દેશ કર્યો હતો કે શોમાં તેમનું નામ અથવા ઓળખ સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવી ન હોય, પરંતુ દર્શકો માટે એ સ્પષ્ટ છે કે પાત્ર તેમનાથી પ્રેરિત છે. પ્રારંભિક સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી, જેમાં તેમને સાત દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટ 30 ઓક્ટોબરે તમામ પક્ષકારોની દલીલો સાંભળશે.