નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સતત નવા દાવા, ખુલાસા અને આરોપ સામે આવી રહ્યાં છે. હાલમાં જ આ કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ અભિનેત્રી સંજના સાંઘી પર આરોપ લગાવ્યો હતો કે, જ્યારે સુશાંત પર ‘મી ટૂ’ મૂવમેન્ટ દરમિયાન છેડતીનો આરોપ લાગ્યો હતો, ત્યારે તેણે મોડેથી કેમ સ્પષ્ટતા કરી હતી. એવામાં હવે રિયાના આરોપ પર સંજનાએ ખુદ સામે આવીને જવાબ આપ્યો છે.
સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’માં કો-સ્ટાર રહી ચૂકેલી સંજના સાંઘીએ કહ્યું કે, આ મામલે હું ઘણું બધુ કહી ચૂકી છું. એક ખાનગી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં સંજનાએ કહ્યું કે, “એક મહિલા તરીકે આ મામલે મે બધું જ જણાવ્યું હતું. આ મામલે હું ઘણું બોલી છું અને હવે મારી પાસે તેમાં ઉમેરવા માટે કંઈ નવું નથી.”
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન 2018માં સુશાંત પર સંજના સાથે છેડતીનો આરોપ લાગ્યો હતો, જેને સંજનાએ નકારી દીધો હતો. જો કે, આ મામલે તેણે દોઢ મહિના પછી સફાઈ આપી હતી અને કહ્યું હતું કે, તેની સાથે સેટ પર સુશાંતે કોઈ ગલત હરકત કરી નહોતી.
રિયાએ શું લગાવ્યો હતો આરોપ
રિયાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, સંજના સાંઘી અને રોહિણી અય્યરે સુશાંતને ઘણો પરેશાન કર્યો હતો. રિયાએ સંજના પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, પોતાની પ્રથમ ફિલ્મને લઈને ઉડી રહેલી અફવાઓને લઈને તે કેવી રીતે દોઢ મહિના સુધી અજાણી રહી શકે. આ ઉપરાંત રિયા કહ્યું હતું કે, ઈ-મેલ કે વીડિયો મેસેજ દ્વારા તે પહેલા જ સફાઈ આપી શકતી હતી, જે તેમણે નથી કર્યું.