Sanya Malhotra On Harrassment:  આમિર ખાનની 'દંગલ'માં કામ કરી ચૂકેલી સાન્યા મલ્હોત્રા તેની નવી ફિલ્મ 'કટહલ'ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સાન્યા મલ્હોત્રાએ એવો ખુલાસો કર્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. તેણે કહ્યું હતું કે એકવાર દિલ્હી મેટ્રોમાં કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી હતી અને તેને ખોટી રીતે સ્પર્શ પણ કર્યો હતો.


સાન્યા મલ્હોત્રાએ જણાવી ઘટના


Hauterrfly  સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે, 'જ્યારે હું કોલેજમાંથી બહાર જતી ત્યારે 7 થી 8 વાગ્યા હતા અને ઘણી વખત એવું બન્યું છે કે લોકો મને ફોલો કરતા હતા. એકવાર હું કૉલેજમાંથી ઘરે આવતા હું ગ્રીન પાર્કથી મેટ્રોમાં બેસી હતી. હું અને ચાર-પાંચ છોકરાઓ મેટ્રોમાં હતા. મહિલાઓને ખ્યાલ આવી જાય છે કે હવે કંઈક યોગ્ય નથી થવાનું. હું એકલી હોવાથી ચૂપ રહી. જ્યારે કોઈ તમારી સાથે હોય ત્યારે તમને હિંમત મળે છે.


મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો


સાન્યા મલ્હોત્રાએ આગળ કહ્યું હતું કે  'આ પછી તેઓએ મને ચીડવવાનું શરૂ કર્યું અને પછી મને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. હું લાચાર હતી અને વિચારતી હતી કે જો હું વધારે બોલીશ તો આ સ્થિતિમાં કંઈ પણ થઈ શકે છે. લોકો કહે છે કે તે કેવી રીતે સાંભળી લીધું? તે કેમ કંઈ ન કર્યું? પરંતુ જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ ત્યારે તમારા હાથ-પગ ફૂલી જાય છે. તે સમયે એવું લાગે છે કે કોઈક રીતે તમે બચી જાવ.


કોઈએ મારી મદદ કરી નથી


અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'મેટ્રોમાં મારી કોઈએ મદદ કરી નહોતી. જોકે, હું પણ લડતી હતી. હું રાજીવ ચોક પર ઉતરી અને પછી દોડવા લાગી અને તે છોકરાઓ મારી પાછળ આવવા લાગ્યા. તે છોકરાઓ 6.2 ફૂટ ઊંચા હતા. ભગવાનનો આભાર કે રાજીવ ચોકમાં ઘણી ભીડ છે અને હું બચી ગઇ હતી.


સાન્યા મલ્હોત્રાની ફિલ્મ Kathal - A Jackfruit Mystery ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આમાં અભિનેત્રીએ પોલીસની ભૂમિકા ભજવી છે. હવે સાન્યા મલ્હોત્રા ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. જો કે આ ફિલ્મમાં સાન્યાના રોલ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.