Shahrukh Khan Covid Positive:` કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓના કેસ વધી રહ્યા છે અને બોલીવૂડના સિતારાઓ પણ કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. અક્ષય કુમાર, કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર બાદ હવે શાહરૂખ ખાનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે અભિનેતાના ચાહકો ખૂબ નિરાશ થયા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન અને કેટરિના કૈફ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જોકે, કેટરિના કૈફ કોરોનામાંથી સ્વસ્થ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટરિના કૈફ ગયા અઠવાડિયે શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ 'ક્રિસમસ'નું શૂટિંગ શરૂ કરવાની હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શેડ્યૂલ ફરી એક વખત આગળ ધપાવવામાં આવ્યું છે.


રિપોર્ટ અનુસાર, કેટરિના હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેણે પોતાનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો કરી લીધો છે. એવું પણ સામે આવ્યું છે કે કેટરિના કૈફ એ જ કારણસર આઈફામાં હાજરી આપી ન હતી, જેમાં તેના પતિ વિકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.


કરણ જોહરની જન્મદિવસની પાર્ટીમાં લાગ્યો કોરોનાનો ચેપ ?


અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને ચાહકોને કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક અહેવાલ પણ સામે આવ્યો, જેમાં બોલિવૂડ સેલેબ્સમાં કોરોના વાયરસ ફેલાવવાનું કારણ કરણ જોહરની જન્મદિવસની પાર્ટીને જવાબદાર ગણવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયેલા મોટાભાગના સેલેબ્સ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ



ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  4270 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવક કેસ 24 હજારને પાર થયા છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 24,052 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,692પર પહોંચ્યો છે. દેશમાં 4,26,28,073 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,09,46,157 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,92,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.



  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.

  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા

  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.

  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.